✕

પત્ની સાથે ઝઘડો થતાં 9 મહિનાનાં પુત્રને પિતાએ ઘાટકોપર સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધો!

26 October, 2026 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૫ ઑક્ટોબરની રાત્રે લગભગ ૮:૧૦ વાગ્યે બની હતી. તે સમયે આરતી તેના પુત્ર સાથે ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર આવેલા સ્કાયવોક પર હતી. ત્યાં પહોંચેલા જાફરે તેની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર રવિવારે રાત્રે, પત્ની સાથેના ઝઘડા બાદ એક પિતાએ તેના ૯ મહિનાના દીકરાને સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. નવજાત બાળકને પહેલા રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી બાદમાં તેને સાયન હૉસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો. ઘાટકોપર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે, અને તપાસ શરૂ કરી છે. અહેવાલ મુજબ આરોપીની ઓળખ ૨૩ વર્ષીય જાફર શેખ તરીકે થઈ છે. તે ઘાટકોપરના સર્વોદય નગર વિસ્તારમાં તેની ૨૨ વર્ષીય પત્ની આરતી જાફર શેખ અને તેમના પુત્ર આરવ સાથે રહે છે. આ કેસમાં આરતીએ ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીના લગ્ન લગભગ બે વર્ષ પહેલાં થયા હતા.

પત્ની સાથેના વિવાદ બાદ બાળકને ફેંકી દેવાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૫ ઑક્ટોબરની રાત્રે લગભગ ૮:૧૦ વાગ્યે બની હતી. તે સમયે આરતી તેના પુત્ર સાથે ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર આવેલા સ્કાયવોક પર હતી. ત્યાં પહોંચેલા જાફરે તેની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ અર્ડેકરે મિડ-ડેને જણાવ્યું હતું કે, "ઝઘડા દરમિયાન, આરોપીએ કથિત રીતે તેની પત્નીને અપશબ્દો કહ્યા અને બાળકને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો. જ્યારે આરતીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે ગુસ્સામાં આવીને બાળકને મારી નાખવાના ઈરાદાથી સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધો."

ગંભીર હાલતમાં સાયન હૉસ્પિટલમાં દાખલ

બાળક નીચે પડ્યા બાદ આરતી તરત જ નીચે દોડી ગઈ. સ્થાનિક રહેવાસીઓની મદદથી તે તેના ઘાયલ પુત્રને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગઈ. ઈજાઓ ગંભીર હોવાથી બાળકને સાયન હૉસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ, ઘાટકોપર પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ ભરત ઠાકુર અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રીના લોહારે પણ બાળકને રાજાવાડી હૉસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી, જેથી તેને તાત્કાલિક તબીબી સારવાર મળી શકે. આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો છે.  પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જાફર આ વિસ્તારમાં કપડાં વેચવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, આ ઝઘડા આરોપીની નશીલા પદાર્થોના સેવનની આદતને કારણે થતા હતા. આરતી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, ઘાટકોપર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1) હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિઠ્ઠલ આર્ડેકરે આરોપીની ધરપકડની માહિતી અઆપી હતી અને હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ghatkopar Crime News mumbai crime news mumbai news rajawadi hospital sion mumbai