અંધેરીના પિતા-પુત્રએ કચ્છમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો

10 May, 2021 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીમાર પિતાને મોટા ડૉક્ટરને બતાવવા ભચાઉ લઈ જઈ રહેલા અંધેરીના યુવાન વેપારીની ગાડીને અકસ્માત થતાં પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાની અરેરાટીભરી ઘટના ગઈ કાલે કચ્છના સામખિયારી પાસે બની હતી.

પિતા મેઘજીભાઈ અને પુત્ર વિનોદ તથા અકસ્માતમાં તેમની કારની થઈ ગયેલી હાલત

બીમાર પિતાને મોટા ડૉક્ટરને બતાવવા ભચાઉ લઈ જઈ રહેલા અંધેરીના યુવાન વેપારીની ગાડીને અકસ્માત થતાં પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાની અરેરાટીભરી ઘટના ગઈ કાલે કચ્છના સામખિયારી પાસે બની હતી. એક જ દિવસે પિતા-પુત્રનાં મોત થતાં પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

અકસ્માતની આ ઘટના વિશે માહિતી આપતાં આ અકસ્માતમાં ઘાયલ થયેલા કચ્છ વાગડ લેઉવા પટેલ જ્ઞાતિના ભરત લાધા સાંઢાના ભાઈ અશોક સાંઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ ભરત તેના બનેવી વિનોદ મેઘજી ચૌધરી સાથે સ્ટેશનરી સપ્લાયના ધંધામાં ભાગીદાર હતો અને અંધેરીમાં મરોલ બસડેપો પાસે તેમની દુકાન છે. વિનોદના વતન શિકારપુરમાં રહેતા પિતા મેઘજીભાઈની તબિયત સારી ન હોવાથી વિનોદ અહીંથી મારુતિ ઇકો (એમએચ43-ટી-674) ગાડી લઈને કચ્છ ગયો હતો, જ્યારે ભરત ટ્રેનમાં ગયો હતો.’ 

ભરતના ગામમાં રહેતા અને અકસ્માત બાદ ભચાઉ પહોંચી ગયેલા કાકા ગણેશ સાંઢાએ વિગતો આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેઘજીભાઈને દમની બીમારી હતી. એથી વિનોદ અને ભરત તેમને ભચાઉ મોટા ડૉક્ટરને બતાડવા અને દવા લેવા ઇકોમાં લઈ જઈ રહ્યા હતા. વિનોદ ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે ભરત તેની બાજુમાં બેઠો હતો. બાપા પાછળની સીટમાં હતા. એવું કહેવાય છે કે ગાડી આગળ જતાં કોઈ મોટા વાહન સાથે તેણે અથડાવી હતી અને ત્યાર બાદ ડિવાઇડર પર ચડી ગઈ હતી. અન્ય વાહનચાલકોએ અકસ્માત થતો જોઈને તેમનાં વાહનો રોક્યાં હતાં અને મદદ કરીને ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે વિનોદ અને તેના પિતા મેઘજીભાઈનાં ઘટનાસ્થળે જ ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયાં હતાં, જ્યારે ભરતને પગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમને ભચાઉ લઈ જવાયા હતા. પિતા-પુત્રના ભચાઉની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરાયાં હતાં. સામખિયારી પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો હતો. સાંજે ૬ વાગ્યાની આસાપાસ બન્ને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કર્યા બાદ વતન શિકારપુર લઈ જવાયા હતા, જ્યારે ભરતને વધુ સારવાર માટે ગાંધીધામની હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.’  

mumbai mumbai news kutch andheri