ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા કાબૂમાં લાવવા સ્ટેશનો પર ફરીથી આવશે એન્ટ્રી-એક્ઝિટનાં નિયંત્રણો?

16 April, 2021 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મોટી સંખ્યામાં લોકોએ ટ્રાવેલ કર્યું હોવાથી રેલવે કરી રહી છે આવો વિચાર

બીજા લૉકડાઉનના પહેલા દિવસે નાલાસોપારા સ્ટેશન પર સારીએવી સંખ્યામાં જોવા મળેલા પ્રવાસીઓ.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારે ગુરુવાર રાતથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફક્ત અતિ આવશ્યક સેવાના લોકોને પરવાનગી આપીને એક રીતે મિની લૉકડાઉન જ લગાવી દીધું છે. કડક પ્રતિબંધો હોવા છતાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની અનેક ટ્રેનોમાં લોકો પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. જોકે કામ વગર ફરતા પ્રવાસીઓ પર નિયંત્રણ મેળવવા પહેલાંની જેમ રેલવે-સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ પર રિસ્ટ્રિક્શન આવવાની શક્યતા છે. રેલવે દ્વારા સ્ટેશનો પર અને ખાસ કરીને મુખ્ય સ્ટેશનો પર ટિકિટ-ચેકિંગ સ્ટાફ અને આરપીએફને તહેનાત કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પહેલાંની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ હજી પણ અનેક પ્રવાસીઓ કામ વગર કે સરકારે અનુમતિ આપી ન હોવા છતાં પ્રવાસ કરતા હોવાની જાણકારી મળી છે. એથી સ્ટેશનો પર આરપીએફ સ્ટાફ અને ટિકિટ-ચેકિંગ સ્ટાફ દ્વારા મૉનિટર કરવામાં આવી રહ્યું છે. પ્લૅટફૉર્મ પર અને ટ્રેનોમાં સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે અનુમતિ છે એ જ લોકો પ્રવાસ કરે. અતિ આવશ્યક સેવા સિવાયના પ્રવાસીઓને અટકાવવા જરૂરી હોવાથી પહેલાંની જેમ એન્ટ્રી અને એક્ઝિટ પર રિસ્ટ્રિક્શન આવી શકે એમ છે. લોકોનું એન્ટ્રી અને એક્ઝિટ પર ચેકિંગ થશે અને પછી જ પ્રવાસ કરવાની પરવાનગી મળી શકશે.’
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેની ૯૫ ટકા સર્વિસ દોડી રહી છે જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય. સરકારે જેમને પ્રવાસ કરવાની અનુમતિ આપી છે તેમને અમે પ્રવાસ કરવા દઈએ છીએ. એ સિવાયના લોકો પર કાર્યવાહી કરવા આરપીએફ તહેનાત કરવામાં આવી છે. સરકારને પણ વિનંતી કરાઈ છે કે તે સ્ટેશનની બહાર પોલીસ તહેનાત કરે જેથી અનુમતિ વગરના લોકોની એન્ટ્રી પ્રતિબંધિત કરી શકાય.’

mumbai mumbai news coronavirus covid19 lockdown\ indian railways mumbai trains