મુંબઈઃ ચૂંટણીપંચ બનશે પૅડમૅન

25 April, 2019 08:50 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈઃ ચૂંટણીપંચ બનશે પૅડમૅન

મુંબઈમાં ૨૯ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીના મતદાન વખતે ચૂંટણીપંચ દ્વારા એક નવતર પ્રયોગ કરવાનો નર્ણિય લેવામાં આવ્યો છે. બોરીવલી, અંધેરી અને કુર્લામાં ૩૦૦ મતદાન કેન્દ્રમાં જે મહિલાઓ મતદાન કરશે તેમને સૅનિટરી પૅડ આપવામાં આવશે. આ તમામ મતદાન કેન્દ્ર ‘સખી મતદાન કેન્દ્ર’ હશે જે સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. મહિલાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ચૂંટણીપંચ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવશે. કેટલીક બિનસરકારી સંસ્થાઓ તથા સરકાર દ્વારા ચલાવાતાં આંગણવાડી કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલાં ૭૫થી ૮૦ હજાર સૅનિટરી પૅડ મહિલા મતદારોને અપાશે. એટલું જ નહીં, લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ વધે તેમ જ મતદાન કેન્દ્ર આકર્ષક લાગે એ માટે રંગોળી પૂરવામાં આવશે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે એ માટે ચૂંટણીપંચ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે પુરુષની સરખામણીએ મહિલાઓ ઓછી મતદાન કરે છે. આ વાતને પકડીને આ વખતના મતદાનમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા મહારાષ્ટ્ર ચૂંટણીપંચ દ્વારા નવો વિચાર કરવામાં આવ્યો છે.

સખી મતદાન કેન્દ્ર

રાજ્યના ચૂંટણી આયોગે મુંબઈના તમામ ૩૬ વિધાનસભા મતદાર સંઘમાં એક-એક સ્થળે ‘સખી મતદાન કેન્દ્ર’ની વ્યવસ્થા કરી છે. આ કેન્દ્રો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. મતદારની સંખ્યાને આધારે આવા દરેક કેન્દ્રમાં ૪થી ૬ મહિલાને મૂકવામાં આવશે. અહીં મતદાન કરનારી દરેક સ્ત્રીને મફતમાં સૅનિટરી પૅડ આપવામાં આવશે.

કેન્દ્ર દીઠ ૨૫૦ મહિલાને લાભ મળશે

મુંબઈમાં પ્રત્યેક બૂથ પર ૮૦૦થી ૧૨૦૦ મતદાર હોય છે. આમાં પચાસ ટકા જેટલી મહિલા સામેલ હોય છે. સરેરાશ ૫૦ ટકા મતદાન થાય છે એટલે ઍવરેજ ૧૦૦૦ મતદાર દરેક બૂથમાં ગણીએ તો ૫૦૦ મહિલા થાય. એમાંથી અડધી સ્ત્રીઓ મતદાન કરવા આવે તો બૂથદીઠ ૨૫૦ મહિલાને સૅનિટરી પૅડનો લાભ મળશે.

૭૫થી ૮૦ હજાર સૅનિટરી પૅડ અપાશે

એક બૂથ પર અંદાજે ૨૫૦ મહિલાને હિસાબે ૩૦૦ બૂથ પર ૭૫થી ૮૦ હજાર મહિલાને સૅનિટરી પૅડ આપીને તેમનું સન્માન કરાશે. આ સૅનિટરી પૅડ ચૂંટણીપંચને કેટલીક બિનસરકારી સંસ્થા તેમ જ આંગણવાડી દ્વારા મફતમાં પૂરાં પાડવામાં આવશે. મહિલાઓ દ્વારા સંચાલિત તમામ ૩૦૦ કેન્દ્રમાં મહિલા ઉપરાંત તમામ મતદારો માટે ઠંડાં પીણાંની પણ વ્યવસ્થા કરાશે.

મુંબઈમાં ૨૯ એપ્રિલે મતદાન

રાજ્યની ૪૮માંથી બાકી રહેલી મુંબઈ સહિતની અંતિમ ૧૭ લોકસભા બેઠકનું ૨૯ એપ્રિલે ચોથા ચરણમાં મતદાન કરાશે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

વિચાર ક્યાંથી આવ્યો

મહારાષ્ટ્ર ચૂંટણીપંચના ઍડિશનલ ચીફ ઇલેક્ટોરલ ઑફિસર દિલીપ શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચૂંટણી આયોગ દ્વારા મતદારોને આકર્ષવા માટે વિવિધ યોજના ચલાવાય છે. હૅન્ડિકૅપ્ડ મતદારો માટે વ્હીલચૅરની વ્યવસ્થા તેમ જ મતદાન કેન્દ્રથી દૂર રહેતા મતદારો માટે વાહનની ગોઠવણ કરાય છે. આવી જ રીતે મહિલાઓને મતદાન કરવા પ્રેરિત કરવા અમે બોરીવલી, અંધેરી અને કુર્લામાં સૅનિટરી પૅડ આપવાનો નિર્ણય લીધો છે. આ વિચાર ચૂંટણીપંચના ટોચના અધિકારીઓને આવ્યા બાદ અમે પ્રાયોગિક ધોરણે મુંબઈના ત્રણ વિસ્તારમાં અમલમાં મૂક્યો છે. એમાં સફળતા મળશે તો રાજ્યભરમાં અમલમાં મૂકીશું.

mumbai news mumbai Election 2019