30 July, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ખેતરમાંથી ગુપ્ત ધન બહાર કાઢી આપવાની લાલચ આપીને પનવેલની મરાઠી સ્કૂલ નજીક રહેતા ૪૧ વર્ષના પ્રવીણ પાટીલને ધાર્મિક વિધિ કરાવવાના બહાને ત્રણ તાંત્રિક બાબાઓ ૪૦ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયા પડાવી ગયા હોવાની ફરિયાદ ગઈ કાલે પનવેલ શહેર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પનવેલની ટોચની કંપનીમાં નોકરી કરતા વેલ-એજ્યુકેટેડ પ્રવીણને આર્થિક અને માનસિક તકલીફ હતી એટલે તેણે બાબાનો સંપર્ક કર્યો હતો. એક બાબાએ ઢોંગ કરીને પ્રવીણના ખેતરમાંથી ગણપતિબાપ્પાની સોનાની મૂર્તિ કાઢી બતાવી એના પરથી તેના પર વિશ્વાસ થયા બાદ બાબાઓએ પ્રવીણના દાગીના અને રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે.
પનવેલ શહેર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રવીણને સતત નુકસાન થતું હોવાથી તે માનસિક રીતે પરેશાન હતો. એ દરમ્યાન એપ્રિલની શરૂઆતમાં તેની ઓળખ પનવેલ સ્ટેશન નજીક તાંત્રિક બાબાઓ તૌફિક મુજાવર, મેહતાબ મુજાવર અને અજર મુજાવર સાથે થઈ હતી. તેમણે પ્રવીણની પરેશાની જાણીને કહ્યું હતું કે તમારા ઘરની જ કોઈ વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો હોવાથી તમારી પ્રગતિ અટકી છે. એ સમયે આરોપીએ વાતવાતમાં પ્રવીણના ખેતર સંબંધી માહિતી મેળવીને તેના ખેતરની મુલાકાત લીધી હતી. ખેતર જોયા બાદ બાબાએ ખેતરની જમીન નીચે ગુપ્ત ધન દટાયેલું હોવાનો દાવો કર્યો હતો. એ કાઢવા માટે વિવિધ ધાર્મિક પૂજા કરાવવી પડશે એવું કહીને પ્રવીણના ઘરે નાની પૂજા કરીને ખેતરમાંથી ગણપતિબાપ્પાની મૂર્તિ કાઢી બતાવી હતી. એ જોઈને પ્રવીણને બાબા પર પૂરો વિશ્વાસ બેઠો હતો. એનો લાભ ઉપાડીને સતત બે મહિના સુધી વિવિધ પૂજા કરવાના બહાને પ્રવીણ પાસેથી કુલ ૩૫ લાખ રૂપિયાનું સોનું પડાવી લીધું હતું. એ ઉપરાંત પૂજા માટે પાંચ લાખ રૂપિયા કૅશ પણ લીધા હતા. છેલ્લી પૂજામાં બાબાઓ એક ડબ્બામાં તમામ દાગીના અને રોકડ રૂપિયા ભરીને એ ન ખોલવાનું કહીને જૂન મહિનાના અંતમાં પ્રવીણના ઘરેથી ચાલ્યા ગયા હતા. એક મહિના સુધી ત્રણેત્રણ બાબા પાછા ન આવતાં પ્રવીણે દાગીના ભરેલો ડબ્બો ખોલ્યો ત્યારે અંદરથી માત્ર માટી નીકળી હતી. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં પ્રવીણ અમારી પાસે ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. આ કેસમાં અમે આરોપી બાબાઓને પકડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે.’
પનવેલ શહેર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ પૂજા કરવાનો ઢોંગ કરીને ફરિયાદીના શરીર પર તેલ લગાડીને કપડાં વિના સતત ચાર રાત બેસાડ્યો હતો એટલું જ નહીં, પ્રવીણના ખેતરમાં ચાર જણ પાસે સતત ચાર દિવસ ખાડો ખોદાવ્યો હતો.’