મુંબઈ: ડોમ્બિવલીની આઇડીબીઆઇ બૅન્કના ખાતેદારોને જબરદસ્ત ફટકો

16 April, 2021 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલી (ઈસ્ટ)ના ફડકે રોડ પર આવેલી આઇડીબીઆઇ બૅન્કની બ્રાન્ચના અનેક ખાતેદારોને મંગળવારે ગુઢીપાડવાના દિવસે અને ૧૪ તારીખે આંબેડકર જયંતીના દિવસે મેસેજ મળવા શરૂ થઈ ગયા હતા કે તેમના અકાઉન્ટમાંથી ફલાણા એટીએમમાંથી રકમ કઢાવાઈ છે.

ફાઈલ તસવીર

ડોમ્બિવલી (ઈસ્ટ)ના ફડકે રોડ પર આવેલી આઇડીબીઆઇ બૅન્કની બ્રાન્ચના અનેક ખાતેદારોને મંગળવારે ગુઢીપાડવાના દિવસે અને ૧૪ તારીખે આંબેડકર જયંતીના દિવસે મેસેજ મળવા શરૂ થઈ ગયા હતા કે તેમના અકાઉન્ટમાંથી ફલાણા એટીએમમાંથી રકમ કઢાવાઈ છે. એથી તેઓ બૅન્ક પર પહોંચી ગયા હતા, પણ રજાના કારણે બૅન્ક બંધ હતી. તેમનાં ડેબિટ કાર્ડ તો તેમની પાસે જ હતાં છતાં તેમના એકાઉન્ટમાંથી રકમ નીકળી હતી. એથી એ લોકોએ રામનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી. 

ત્યાર બાદ બૅન્કના અધિકારીઓને પણ આ ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે કહ્યું હતું કે ‘એકસાથે અનેક લોકોનાં અકાઉન્ટમાંથી તેમની જાણ બહાર રકમ કઢાવી લેવાઈ હોવાની માહિતી અમને મળી છે. અમે અમારા ઉચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે. તેઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.’ 

ડોમ્બિવલી (ઈસ્ટ)ના રામનગર પોલીસ સ્ટેશનમાં બે જ દિવસમાં ૩૬ લોકોએ આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ પીઆઇ સમશેર તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકાઉન્ટ હોલ્ડરોને જે મેસેજ મળ્યા છે એમાં એટીએમમાંથી કૅશ કઢાવી છે એમ જણાવાયું છે. એથી આ સાઇબર ક્રાઇમ બને છે એ ખરું, પણ આ સાઇબર અટૅક નથી. આ કામ સ્કીમર દ્વારા ઓરિજિનલ કાર્ડ પરની માહિતી લઈ એનાં ક્લોન કાર્ડ બનાવી એના દ્વારા એ રકમ એટીએમમાંથી કઢાવી લેતી ગૅન્ગનું હોઈ શકે. અમે બૅન્કના અધિકારીઓને પણ મળ્યા છીએ. અત્યાર સુધી ૮ લાખ કરતાં વધુની રકમ કઢાવાઈ હોવાની ફરિયાદ મળી છે. ગૅન્ગના સભ્યો એ બૅન્કના એટીએમમાં સ્કીમર લગાડી અલગ-અલગ અકાઉન્ટ હોલ્ડરોની માહિતી મેળવી હોઈ શકે. એકાદ આખો દિવસ પણ સ્કીમર લગાડેલું હોઈ શકે અથવા અલગ-અલગ દિવસે થોડો થોડો વખત માટે પણ લગાડેલું હોઈ શકે. એ સ્કીમર ક્યારે લગાડાયું છે એ તો કદાચ જાણ નહીં શકાય, પણ જ્યાંથી પૈસા કઢાયા છે ત્યાંના ફુટેજના આધારે તપાસ આગળ વધી શકશે.’

mumbai mumbai news dombivli