કોવિડ સેન્ટરમાંથી નાસી છૂટેલા દરદીનો મૃતદેહ ડોમ્બિવલીની ખાડીમાંથી મળ્યો

01 August, 2020 10:35 AM IST  |  Mumbai | Anurag kamble

કોવિડ સેન્ટરમાંથી નાસી છૂટેલા દરદીનો મૃતદેહ ડોમ્બિવલીની ખાડીમાંથી મળ્યો

રવિશંકર મોરે

કોવિડ ક્વૉરન્ટીન સેન્ટરમાંથી નાસી છૂટેલા દર્દીનો મૃતદેહ ગઈ કાલે ડોમ્બિવલી-વેસ્ટની ખાડીમાંથી મળ્યો હતો. ગુરુવારે એ દર્દી કોરોના-ઇન્ફેક્શનના દર્દીઓના ક્વૉરન્ટીન સેન્ટરમાંથી નાસી ગયો હતો. ડોમ્બિવલીના મોઠા ગાવઠણના રહેવાસી ૫૩ વર્ષના શંકર મોરેનો મૃતદેહ ખાડીમાંથી મળ્યા પછી એ દર્દીએ બીમારીની માનસિક હતાશામાં આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે.

શંકર મોરેને ૨૦ જુલાઈએ ડોમ્બિવલી-ઈસ્ટના બીએચપી સાવલારામ મ્હાત્રે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સ્થિત કોવિડ ક્વૉરન્ટીન સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. કોરોના-ઇન્ફેક્શનનાં લક્ષણો નાબૂદ થયાં હોવાનું જણાતાં ૨૮ જુલાઈએ તેમને ઘરે મોકલ્યા હતા, પરંતુ બીજે દિવસે ૨૯મીએ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ ક્વૉરન્ટીન સેન્ટરમાં પાછા ગયા હતા. ગુરુવારે ૩૦ જુલાઈએ દીકરાએ તબિયતના સમાચાર પૂછવા શંકરના મોબાઇલ ફોન પર કૉલ કર્યા ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો. દીકરાએ ક્વૉરન્ટીન સેન્ટરના લૅન્ડલાઇન-નંબર પર ફોન કરીને એક કર્મચારીને પિતાની તબિયતના સમાચાર પૂછ્યા ત્યારે એ કર્મચારીએ જણાવ્યું હતું કે તમારા પિતા વિશે અમને કાંઈ ખબર નથી. તમે જાતે આવીને જોઈ જાઓ. દીકરાને પિતાના કોઈ સગડ ન મળ્યા ત્યારે પરિવારે ડોમ્બિવલીના માનપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન ડોમ્બિવલી-વેસ્ટના વિષ્ણુનગર પાસે ખાડીમાંથી મૃતદેહ મળ્યો હોવાના મેસેજ વૉટ્સઍપ પર ફરવા માંડ્યા હતા. એ વખતે પોલીસે કેટલીક તસવીરો શંકરના પરિવારને મોકલી હતી. એ લોકોએ તરત હૉસ્પિટલ પહોંચીને શંકરના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.

dombivli coronavirus covid19 lockdown mumbai mumbai news anurag kamble