પોલીસના સ્વાંગમાં ખંડણી માગનારને પોલીસે જ પકડ્યો

15 May, 2021 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીની પત્ની મસાજ પાર્લર ચલાવતી હોવાથી એનો લાભ લઈને તેણે ફરિયાદીને ફસાવીને પૈસા પડાવ્યા

પોલીસના નામે ખંડણી માગનારો આરોપી ડોમ્બિવલીના માનપાડાની પોલીસ ટીમ સાથે.

ક્રાઇમ બ્રાન્ચનો ઑફિસર હોવાનું કહીને ડોમ્બિવલીના એક રજિસ્ટ્રેશન એજન્ટ પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરવાના આરોપસર માનપાડા પોલીસે એક આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી. પહેલાં પાંચ લાખ અને બાદમાં બીજા ૧૦ લાખ રૂપિયાની માગણી આરોપીએ કરી હોવાથી પોલીસે છટકું ગોઠવીને આરોપીને ઝડપ્યો હતો. આરોપીની પત્ની મસાજ પાર્લર ચલાવતી હોવાથી તેની ઓળખાણ ફરિયાદી સાથે હોવાથી એનો લાભ લેવા માટે આરોપીએ ખંડણી માગી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.

ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ અહીંના ગાંધીનગર વિસ્તારમાં શંકર પરબ રજિસ્ટ્રેશન એજન્ટનું કામ કરે છે. ૭ એપ્રિલે તે પોતાની ઑફિસમાં કામ કરતો હતો ત્યારે ભિવંડીમાં રહેતો તુષાર શિલવંત સફેદ કારમાં આવ્યો હતો, જેના પર પોલીસ લખેલું હતું. પોતે વાશી ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાની તેણે ઓળખાણ આપી હતી.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ તુષારે શંકરને કહ્યું હતું કે તારી સામે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે, પોલીસની કાર્યવાહીથી બચવું હોય તો પાંચ લાખ રૂપિયા આપ. આ સાંભળીને ગભરાઈ ગયેલા શંકરે તુષારને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. ૧૩ એપ્રિલે ફરી તુષારે ફોન કરીને શંકરને બીજા ૧૦ લાખ રૂપિયા આપવાનું કહેતાં તેના હોશ ઊડી ગયા હતા.  તેણે માનપાડા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દાદાહરિ ચૌરે અને તેમની ટીમે કરેલી તપાસમાં જણાયું હતું કે વાશી ક્રાઇમ બ્રાન્ચમાં તુષાર નામનો કોઈ અધિકારી નથી. આથી આ નકલી પોલીસ હોવાની શંકા જતાં તેને પકડવા માટે છટકું ગોઠવવાનો નિર્ણય લીધો હતો. પ્લાન મુજબ શંકરે તુષારને ૧૦ લાખ રૂપિયા લેવા માટે કલ્યાણ બોલાવ્યો હતો. અહીંના શિવાજી ચોક પર તુષાર રૂપિયા લેવા આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

સિનિયર ઇન્સ્પેક્ટર દાદાહરિ ચૌરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી તુષાર શિલવંતની અમે પોલીસના નામે ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર ધરપકડ કરી હતી. તપાસમાં જણાયું છે કે તેની પત્ની વાશીમાં મસાજ સેન્ટર ચલાવે છે. ફરિયાદીની તેની સાથે કોઈક રીતે ઓળખાણ હોવાથી તુષારે તેની પાસેથી રૂપિયા પડાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. આ બાબતની અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news dombivli Crime News mumbai crime news