પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો ન કર્યો, પણ આપણને આપેલી રાહત પાછી ખેંચી લીધી

04 February, 2021 08:09 AM IST  |  Mumbai | Mid-day Correspondent

પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો ન કર્યો, પણ આપણને આપેલી રાહત પાછી ખેંચી લીધી

હાયલા! જૉઇન્ટ કમિશનરે ભૂલથી પાણીને બદલે સૅનિટાઇઝર પી લીધું પાલિકામાં શિક્ષણનું બજેટ રજૂ કરતી વખતે પાલિકાના જૉઇન્ટ કમિશનર રમેશ પવાર ભૂલથી પાણીને બદલે સૅનિટાઇઝર પી ગયા હતા. બજેટની સ્પીચ આપતી વખતે ગળું સુકાઈ જતાં ટેબલ પર પાણી અને સૅનિટાઇઝરની બૉટલ રાખી હતી ત્યારે ભૂલથી તેઓ પાણીને બદલે સૅનિટાઇઝર પી ગયા હતા. તેમને બાદમાં પાણી અપાતાં રાહત થઈ હતી. તસવીર : બિપિન કોકાટે

એશિયાની સૌથી અમીર ગણાતી મુંબઈ મહાનગરપાલિકાનું ગઈ કાલે વર્ષ ૨૦૨૧-’૨૨ માટેનું ૩૯,૦૩૮ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષ કરતાં ૧૬.૭૪ ટકા વધુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેનાએ મુંબઈનાં ૫૦૦ ચોરસ ફીટથી નાનાં ઘરોને પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બજેટમાં એ બાબતે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ૫૦૦ ફુટ કે એનાથી નાનાં ઘર ધરાવનારાઓને પ્રૉપર્ટી ટૅક્સમાંથી જે છૂટ આપવામાં આવી હતી એ પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે પ્રૉપર્ટી ટૅક્સમાં નવ જુદા-જુદા ચાર્જિસ વસૂલ કરવામાં આવે છે એમાંથી ફક્ત એક ચાર્જમાં જ છૂટ આપવાનું હવે નક્કી કરવામાં આવ્યું છે. બાકીના આઠ ચાર્જિસ લોકોએ ભરવા પડશે. આમ જોવા જઈએ તો શિવસેનાએ ચૂંટણી વખતે લોકોને વચન આપ્યું હતું કે અમે ૫૦૦ ફુટ કે એનાથી નાનાં ઘર ધરાવનારાઓ પાસેથી કોઈ પ્રૉપર્ટી ટૅક્સ નહીં લઈએ. ગઈ કાલની જાહેરાતથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ વચનભંગ કર્યું હોવાનો આરોપી વિરોધ પક્ષે કર્યો છે. કોરોનાને લીધે ગયા વર્ષે પાલિકાની આવકમાં ૫૮૭૬.૧૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. પાલિકાના બજેટમાં આરોગ્ય વિભાગ અને સ્કૂલ-એજ્યુકેશન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષના બજેટમાં ૧૬.૭૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ રૂપિયા ક્યાંથી આવશે એની પાલિકાએ બજેટમાં સ્પષ્ટતા નથી કરી. આ વિશે એનજીઓ પ્રજા ફાઉન્ડેશનના ડિરેક્ટર મિલિંદ મ્હસ્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાના બજેટમાં વધારે રેવન્યુ ક્યાંથી આવશે એ માટે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. રાજકીય પક્ષો માત્ર આંકડા દર્શાવવા માટે બજેટમાં જાત-જાતની યોજના માટે જાહેરાત કરે છે, પરંતુ હકીકતમાં વર્ષમાં જે-તે કામ માટે રખાયેલો લક્ષ્યાંક કેટલો મેળવાયો છે એ ક્યારેય દર્શાવતા નથી. આથી સામાન્ય નાગરિકની દૃષ્ટિએ ૩૯,૦૩૮ કરોડ રૂપિયાનું મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલું બજેટ અવાસ્તવિક છે.’

આ સિવાય બજેટમાં બેસ્ટ પ્રશાસનને ૭૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા પાલિકાના કોરોના યોદ્ધાના પરિવારને ૫૦ લાખ રૂપિયાની મદદ કરવા માટે ૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પાલિકાની સ્કૂલોને નવું નામ અપાયું

પાલિકા સંચાલિત વિવિધ ભાષાની સ્કૂલો હવેથી મુંબઈ પબ્લિક સ્કૂલના નામથી ઓળખાશે. સ્કૂલ-એજ્યુકેશન માટે ૨૯૪૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા શહેરમાં ૯૬૩ પ્રાથમિક અને ૨૨૪ માધ્યમિક સ્કૂલોનું સંચાલન થાય છે. શહેરમાં પ્રાઇવેટ સ્કૂલો જેવી સુવિધા આપવા માટે ૨૪ માધ્યમિક સ્કૂલો ખોલવામાં આવશે. દક્ષિણ મુંબઈમાં બે, પશ્ચિમનાં પરાંમાં ત્રણ, પૂર્વનાં પરાંમાં પાંચ મળીને કુલ ૧૦ સીબીએસઈ સ્કૂલો શરૂ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોને ૩૮૦ કરોડ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. પાલિકાની સ્કૂલોમાં ૧૩૦૦ ક્લાસ ડિજિટલ ક્લાસરૂમ બનાવી શકાય એ માટે ૨૮.૫૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ચોમાસામાં પાણી ન ભરાય એ માટેની યોજના

મુંબઈમાં ભારે વરસાદ પડે છે ત્યારે ૩૮૬ સ્થળે પાણી ભરાય છે. આમાંથી ૧૭૧ પૉઇન્ટ પરની સમસ્યા ઉકેલી લેવામાં આવી છે. બાકીની જગ્યામાં આ વર્ષે ચોમાસામાં જે બાવીસ જગ્યાએ પાણી ભરાવાની સૌથી વધુ સમસ્યા થાય છે એનું પ્લાનિંગ કરીને નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સિવાય પ્રાઇવેટ મિલકતોમાં આવેલા ૪૪ સ્પૉટની સમસ્યા બાબતે પણ પાલિકા કો-ઑર્ડિનેશન કરશે. આ કામ માટે ૫૩૫ કરોડ રૂપિયાનાં ટેન્ડર ફાઇનલ કરી દેવામાં આવ્યાં છે.

mumbai mumbai news budget 2021 maharashtra