બજેટમાં રાજ્યને કંઈ ન મળ્યું હોવાની વાત પર દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ

11 February, 2021 09:45 AM IST  |  Mumbai | Mid-day Correspondent

બજેટમાં રાજ્યને કંઈ ન મળ્યું હોવાની વાત પર દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ

દેવેન્દ્ર ફડણવીસ

વિરોધ પક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાજ્ય સરકાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે આ સરકાર હિન્દુ વિરુદ્ધ ઝેર ઓકનારા શર્જીલ ઉસ્માનીની છે. તેની ધરપકડ કરવાને બદલે તેણે આપેલા હિન્દુવિરોધી નિવેદન બદલ શર્જીલની ધરપકડ કરવાની માગણી કરનારાઓની ધરપકડ કરીને સરકારે આ સિદ્ધ કર્યું છે. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં સેલિબ્રિટીની ટ્વીટ વિશે પુછાયેલા સવાલના જવાબમાં ફડણવીસે આવું કહ્યું હતું. બજેટમાં મહારાષ્ટ્રને કંઈ ન અપાયું હોવાનું કહેનારાઓને જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ૩ લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના અને જોગવાઈ બજેટમાં રાજ્ય માટે કરાઈ છે.

પત્રકારોના સવાલના જવાબ આપતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બીજેપીની ઉત્તર ભારતીય આઘાડીએ શર્જીલની ધરપકડ કરવા માટે આંદોલન કર્યું હતું. આમ છતાં પોલીસે આ પદાધિકારીના ઘરે જઈને ધરપકડ કરી હતી એ મોટું આશ્ચર્ય છે. સરકારની આ રીતથી કહી શકાય છે કે તે શર્જીલને સંરક્ષણ આપનારી સરકાર છે. ભારતની અખંડિતતા બાબતે સેલિબ્રિટીઓએ કરેલી ટ્વીટનો વિરોધ પણ યોગ્ય નથી. તેમણે કોઈ પક્ષ કે કોઈ નીતિ સામે નહીં પણ દેશ માટે ટ્વીટ કરી છે.’

દેવેન્દ્ર ફડણવીસે આ વર્ષના કેન્દ્રીય આર્થિક બજેટ વિશે કહ્યું હતું કે ‘બજેટ વાંચ્યા વિના મહારાષ્ટ્રને કંઈ ન મળ્યું હોવાનું કહેનારાઓને હું કહેવા માગું છું કે મેં બજેટનો અભ્યાસ કર્યો છે. મહારાષ્ટ્રને કેન્દ્રીય બજેટમાં દર વર્ષે પાંચથી સાતગણી મદદ કરાઈ રહી છે. રાજ્ય માટે મંજૂર કરાયેલી અને બજેટમાં કરાયેલી જોગવાઈ જોતાં ૩,૦૫,૬૧૧ કરોડ થાય છે. આથી રાજ્યને કંઈ નથી મળ્યું એમ કહેવું બરાબર નથી.’

બજેટમાં મેટ્રોના આરે શેડ માટે ૧૮૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

રાહુલ ગાંધીની બજેટ વિશેની પ્રતિક્રિયા બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તેઓ કોઈક લખીને આપે છે એ વાંચે છે. તેમને શું જવાબ આપવો? જુદા-જુદા ભાષણમાં તેમણે જુદા-જુદા આંકડા કહ્યા હોવાનું જણાયું છે. તેઓ બજેટમાં કોઈ પણ પાંચ આંકડા કહે તો અમે તેમનો જવાબ આપીશું.’

mumbai mumbai news devendra fadnavis uddhav thackeray maharashtra