ટ્રેન ડીરેલ નથી થઈ, આ તો હતી મૉક ડ્રિલ

10 July, 2022 10:46 AM IST  |  Mumbai | Rajendra B Aklekar, Diwakar Sharma

વસઈ પાસે ટ્રેન ખડી પડી હોવાના ન્યુઝ પછી હોબાળો મચતાં રેલવેએ કરવી પડી સ્પષ્ટતા : લોકલ ખડી પડે તો રેલવેની સિસ્ટમ કેટલી તત્પરતાથી એને ઉકેલી શકે છે એ જાણવાની આ મૉક ડ્રિલ હતી

લોકલ ટ્રેન ખડી પડે તો રેલવેની સિસ્ટમ કેટલી તત્પરતાથી એને સૉલ્વ શકે છે એ જાણવાની મૉક ડ્રિલ વસઈ સ્ટેશન પર ગઈ કાલે કરવામાં આવી હતી. (તસવીર : હનીફ પટેલ)

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન વસઈ પાસે ખડી પડી હોવાના સમાચાર ગઈ કાલે સાંજે વાયુવેગે સોશ્યલ મીડિયા પર ફરી વળ્યા હતા. એટલું જ નહીં, વસઈ સ્ટેશન પર પણ એક ટ્રેન ખાલી કરીને બીજા પ્લૅટફૉર્મ પરની ટ્રેનમાં બેસવાનું અનાઉન્સમેન્ટ થતાં સાંજના પીક અવર્સમાં લોકો અચરજમાં પડી ગયા હતા. જોકે આખરે રેલવે દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે કોઈ લોકલ ખડી નથી પડી, પણ જો આવી ઘટના બને તો રેલવેની સિસ્ટમ કેટલી તત્પરતાથી એને ઉકેલી શકે છે એ જાણવાની આ કવાયત હતી, મૉક ડ્રિલ હતી.  

શરૂઆતમાં તો પૅસેન્જરોને કંઈ ખબર જ પડી નહોતી. આ બાબતે રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા પણ કોઈ ખુલાસો અપાયો નહોતો. જોકે એ પછી વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ જનરલ મૅનેજર સત્યકુમારે કહ્યું હતું કે જો આવી કોઈ ઘટના બને તો અમારી સિસ્ટમ એને પહોંચી વળવા કેટલી તત્પર છે એ સમયાંતરે જાણવું જરૂરી હોય છે.  

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘જો કોઈ આવી ઘટના બને છે તો એને અમારી સ્ટાન્ડર્ડ ઑપરે​ટિંગ સિસ્ટમને ફૉલો કરીને કેટલી સરળતાથી હૅન્ડલ કરી શકે છે એ જાણવું જરૂરી છે. એથી આ મૉક ડ્રિલનું આયોજન કરાયું હતું. કોઈ પણ ખામી વગર એ મૉક ડ્રિલ સફળ રહી હતી. પીક અવર્સ શરૂ થાય એની સહેજ પહેલાં આ મૉક ડ્રિલ હાથ ધરાઈ હતી અને થોડા જ સમયમાં એને આટોપી લઈને લોકોને તકલીફ ન પડે એ માટે બધું રાબેતા મુજબ શરૂ કરી દેવાયું હતું.’ 

mumbai mumbai news western railway rajendra aklekar diwakar sharma