માટુંગાના કચ્છી યુવાનનો મૃતદેહ દરિયામાંથી મળ્યો

21 July, 2019 10:27 AM IST  |  મુંબઈ

માટુંગાના કચ્છી યુવાનનો મૃતદેહ દરિયામાંથી મળ્યો

માટુંગાના કચ્છી યુવાનનો મૃતદેહ દરિયામાંથી મળ્યો

શુક્રવારે બપોરથી અચાનક ગાયબ થઈ ગયેલા માટુંગાના ૩૯ વર્ષના કચ્છી યુવાનનો મૃતદેહ શનિવારે બપોર બાદ મલબાર હિલ પાસેના દરિયામાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. શુક્રવારે વસઈના વાલિવ ખાતેનું સ્ટેનલેસ સ્ટીલનું કારખાનું બંધ હોવાથી બપોર સુધી તે ઘરે હતો, પણ ત્યાર બાદ બૅન્કમાં જવાનું કહ્યા પછી તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો અને બીજા દિવસે તેનો મૃતદેહ હાથ લાગતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.

માટુંગામાં તેલંગ રોડ પરની એક ઇમારતમાં રહેતા પરિવારે ૩૯ વર્ષના હિતેન મૂલચંદ દેઢિયા શુક્રવારે બપોરથી મિસિંગ હોવાની ફરિયાદ માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ બાદ પણ પરિવારે હિતેનને તે જ્યાં ગયો હોવાની શક્યતા હોય એવાં તમામ સ્થળોએ રૂબરૂ કે ફોન દ્વારા પૂછપરછ કરી હતી, પરંતુ તેનો ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો.

આ પણ વાંચોઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

શનિવારે મલબાર હિલ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા જે. પી. નગર પાસેના દરિયામાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જેને પોલીસે જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ મૃતદેહની ઓળખ માટે પોલીસે અનેક પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ સંદર્ભે તપાસ હાથ ધરી હતી.માટુંગા પોલીસ-સ્ટેશનમાં એક યુવાનની મિસિંગની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતાં પોલીસે હિતેન દેઢિયાના પરિવારજનોને જાણ કરી હતી. જેજે હૉસ્પિટલમાં મોકલાયો હતો એ મલબાર હિલ પાસેના દરિયામાંથી મળેલો હિતેનનો મૃતદેહ જ હોવાનું જણાઈ આવતાં દેઢિયા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

mumbai matunga mumbai news