અન્ડરવર્લ્ડ ડૉન દાઉદનું વતનનું ઘર 11 લાખ રૂપિયામાં વેચાયું

11 November, 2020 07:56 AM IST  |  Mumbai | Agency

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદનું વતનનું ઘર 11 લાખ રૂપિયામાં વેચાયું

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની કોકણના રત્નાગિરિ જિલ્લાના મુંબકે ગામના વારસાગત ઘર સહિત ૬ મિલકતોનું ગઈ કાલે લિલામ કરવામાં આવ્યું હતું. સરકારે સ્મગલર્સ ઍન્ડ ફૉરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ (ફોરફેઇચર ઑફ પ્રૉપર્ટી) ઍક્ટ હેઠળ દાઉદની મિલકતોનું લિલામ કર્યું હતું.

દાઉદનું કોકણના મુંબકે ગામનું વંશપરંપરાગત ઘર લિલામમાં ૧૧ લાખ રૂપિયામાં વેચાયું હતું. એની નજીકના લોટે ગામમાં દાઉદની માલિકીનો પ્લૉટ ટેક્નિકલ કારણસર વેચાઈ શક્યો નહોતો. એનું લિલામ ફરી યોજવામાં આવશે. દાઉદના નિકટના સાથી ઇકબાલ મિરચીનો અપાર્ટમેન્ટ પણ વેચાઈ શક્યો નહોતો.
૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટો સહિત અનેક કેસમાં ભાગેડુ ગુનેગાર દાઉદની ૭ મિલકતોનું લિલામ વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા યોજાયું હતું.

દાઉદ ઇબ્રાહિમનું રત્નાગિરિ જિલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનું વારસાગત ઘર દિલ્હીના વકીલ અજય શ્રીવાસ્તવે ૧૧.૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો પરિવાર ૧૯૮૩માં મુંબઈ રહેવા આવ્યો એ પહેલાં એ મુંબકે ગામના ઘરમાં રહેતો હતો. એ ગામમાં દાઉદની મા અમીનાબી અને મરહૂમ બહેન હસીના પારકરની માલિકીની પચીસ ગૂંઠા જમીન પણ ઍડ્વોકેટ અજય શ્રીવાસ્તવે ખરીદી હતી. ભાગેડુ ડૉનની અન્ય ચાર પ્રૉપર્ટી ઍડ્વોકેટ ભૂપેન્દ્ર ભારદ્વાજે ખરીદી હતી.

ઍડ્વોકેટ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘આ પૈસાનો પ્રશ્ન નથી. અમે દાઉદને સંદેશ આપવા માગીએ છીએ કે તેની મિલકતો ખરીદતાં અમે ડરતા નથી. જો દાઉદ પરદેશમાં બેઠાં-બેઠાં ભારતમાં વિસ્ફોટ કરાવીને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી શકતો હોય તો આપણે પણ આ રીતે તેની સંપત્તિના લિલામમાં સહભાગી થઈને આપણી સરકારી એજન્સીઓને આતંકવાદ સામે લડવામાં મદદરૂપ થઈ શકીએ છીએ.’

mumbai mumbai news maharashtra ratnagiri dawood ibrahim konkan santacruz