મુંબઈ: દહિસરની સ્કૂલે એકસાથે 70 વિદ્યાર્થીને કાઢી મૂક્યા

22 April, 2019 11:33 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: દહિસરની સ્કૂલે એકસાથે 70 વિદ્યાર્થીને કાઢી મૂક્યા

પ્રતીકાત્મક તસવીર

દહિસરની રુસ્તમજી ટ્ર્પર્સ સ્કૂલે ૭૦ જેટલા વાલીઓને તેમનાં બાળકોનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પોસ્ટથી ઘરે મોકલીને સ્કૂલમાંથી કાઢી મૂકતાં વાલીઓ ચોંકી ઊઠ્યા છે. સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટમાં ફી ન ભરી હોવાનું કારણ દર્શાવ્યું છે. ચોંકી ઊઠેલા વાલીઓ છેલ્લી ઘડીએ પોતાનાં બાળકોનું ઍડ્મિશન હવે કેવી રીતે બીજી સ્કૂલમાં કરાવશે એની ચિંતામાં મુકાઈ ગયા છે. સ્કૂલ-મૅનેજમેન્ટે જોકે આ પગલાં લેવા માટે ફી રેગ્યુલેશન ઍક્ટ મુજબ લીધાં હોવાની સ્પષ્ટતા કરી છે. આ મામલે શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે ખુલાસો માગ્યો છે.

દહિસરની રુસ્તમજી ટ્રૂપર્સ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતાં બાળકોના વાલીઓ ગયા વર્ષથી ફી-વધારા બાબતે સ્કૂલના મૅનેજમેન્ટ સાથે ફાઇટ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં સુધી આ મામલાની તપાસ ન થાય ત્યાં સુધી વાલીઓ સામે કોઈ પગલાં ન લેવાનો આદેશ સ્કૂલના મૅનેજમેન્ટને આપ્યો હોવા છતાં સ્કૂલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લેતાં વાલીઓ ચોંકી ઊઠ્યા છે.

સ્કૂલે તેઓના ઘરે લિવિંગ સર્ટિફિકેટ સાથે ૨૪ એપ્રિલ સુધી ફી ભરી દેશો તો ફરી ઍડ્મિશન કરવામાં આવશે એ બાબતનો એક લેટર પણ મોકલ્યો છે. સ્કૂલ તરફથી લિવિંગ સર્ટિફિકેટ અને પત્ર મેળવનાર એક વાલીએ નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એવું નથી કે અમે ફી નથી ભરી. ફી-વધારા બાબતે તપાસ ચાલી રહી હોવાથી અમે એટલી રકમ નથી ભરી. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલાની જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પગલાં નહીં લેવામાં આવે એવો આદેશ શિક્ષણ અધિકારીએ આપ્યો હોવાથી અમે તપાસ પૂરી થવાની રાહ જોઈ રહ્યા હોવાથી ફી નહોતી ભરી. અત્યારે સરકારી અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનો લાભ સ્કૂલ લઈ રહી છે અને વાલીઓને ડરાવવા માટે એકસાથે ૭૦ જેટલાં બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાનું પગલું લીધું છે.’

બીજા એક વાલીએ કહ્યું હતું કે ‘અત્યારની ક્ષણે નવું ઍડ્મિશન મેળવવું મુશ્કેલ હોવાથી ગભરાઈ ગયેલા કેટલાક વાલીઓએ ફી ભરી દીધી છે. જોકે આની સામે સ્કૂલ તેમની પાસે એક શીટ પર સહી લઈ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે તેઓ ભવિષ્યમાં સ્કૂલ દ્વારા કરાતા ફી-વધારા બાબતે સંમત છે અને કોઈ પ્રકારનો વિરોધ વ્યક્ત નહીં કરે.

સ્કૂલે પાંચમી એપ્રિલ પહેલાં ૧૮ અને ત્યાર બાદ ૩૦ તથા અન્ય કેટલાક વાલીઓને મળીને કુલ ૭૦ જેટલાં લિવિંગ સર્ટિફિકેટ પોસ્ટથી ઘરે મોકલી આપ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

શું છે ફીનો મામલો?

સ્કૂલ દ્વારા ફી-વધારાનું પાલન કરાયું ન હોવાનો આરોપ કરતાં એક વાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ફીના નિયમની ગણતરી મુજબ ૪૦,૫૯૦ રૂપિયા ફી ભરવાની રહે છે, જ્યારે સ્કૂલે વધારેલી ફી પ્રમાણે ૫૬,૨૦૦ ભરવાના આવે છે. આ ફી-વધારો ગેરકાયદે હોવાથી મેં ૩૧,૦૦૦ રૂપિયા ઑનલાઇન અને બાકીની ૯૫૯૦ રૂપિયા ફી ચેક દ્વારા સ્કૂલમાં ભરી હતી, કારણ કે સ્કૂલની ઑનલાઇન સિસ્ટમમાં ક્વૉર્ટરની નિશ્ચિત રકમમાં ફેરફાર કરી નથી શકાતો. થોડા દિવસ બાદ સ્કૂલે ચેક સ્પીડ પોસ્ટથી રિટર્ન કર્યો હતો અને સ્કૂલે નક્કી કરેલી પૂરી ફી નહીં ભરો તો ઍડ્મિશન રદ કરવાનો લેટર મોકલ્યો હતો.’

શિક્ષણ અધિકારી શું કહે છે?

શિક્ષણ અધિકારી મહેશ પાલેકરે ‘મિડ-ડે’ને ફોન પર જણાવ્યું હતું કે ‘સ્કૂલ દ્વારા કોઈ સામે કોઈ ઍક્શન ન લેવાની સૂચના અપાઈ હોવા છતાં ફી ન ભરનારા કેટલાક વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ મોકલી દીધાં એ ચલાવી ન લેવાય. અમારા માટે આ અનપેક્ષિત છે. અમે સ્કૂલ પાસે આ બાબતનો ખુલાસો માગ્યો છે. મને સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમને લિવિંગ સર્ટિફિકેટ મોકલી અપાયાં હતાં તેમને ફરી ઍડ્મિશન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણપ્રધાન વિનોદ તાવડેસાહેબે તાત્કાલિક ધોરણે સ્કૂલને આ બાબતે નિર્દેશ આપ્યા છે.’

વાલીઓ પોલીસમાં જશે

સ્કૂલે અચાનક આટલાબધા વિદ્યાર્થીઓને કાઢી મૂકતાં આવતી કાલે કેટલાક વાલીઓ એમએચબી પોલીસ-સ્ટેશનમાં સ્કૂલની મનમાની સામે ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મYયું હતું.

સ્કૂલ શું કહે છે?

મિડ-ડે સંવાદદાતા રુસ્તમજી ટ્ર્પર્સ સ્કૂલનાં પ્રિન્સિપાલ છાયા રાંગણેકરનો ઈ-મેઇલ દ્વારા સંપર્ક કરાયો ત્યારે તેમણે જવાબમાં લખ્યું કે ‘મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ (ફી રેગ્યુલેશન) ઍક્ટ ૨૦૧૧ નિયમનું પાલન કરી રહ્યો છે. એ મુજબ ફીનો પ્રસ્તાવ પીટીએની એક્ઝિક્યુટિવ કમિટીને મોકલવામાં આવ્યો હતો જે એણે મંજૂર કર્યો હતો. પીટીએ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરો તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી. અમે અહીં વાલીઓને એ પણ જણાવી દેવા માગીએ છીએ કે મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ અનુદાન ન લેતી સ્કૂલના મૅનેજમેન્ટને ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઍડ્મિશન રદ કરવાનો અધિકાર છે. વાલીઓ કોર્ટના આ આદેશથી વાકેફ છે. ફી ભરવા બાબતે તેમને અનેક વખત રિમાઇન્ડર અપાયાં હતાં. આ વાલીઓએ આ ઍકૅડેમિક વર્ષની ફીનાં એરિયર્સ નથી ભર્યાં. આવું તેઓ જાણીજોઈને કરી રહ્યા છે એથી સ્કૂલ પાસે વિદ્યાર્થીને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પરત કરવા સિવાયનો કોઈ માર્ગ નથી રહેતો. જોકે વિદ્યાર્થીના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને ફાઇનલ પરીક્ષામાં બેસવા દેવાયા હતા, એટલું જ નહીં, તેમને સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ સાથે રિપોર્ટ કાર્ડ પણ મોકલી દીધાં હતાં જેથી તેઓ વૈકલ્પિક સ્કૂલમાં ઍડ્મિશન લઈ શકે.

આ પણ વાંચો : જોગેશ્વરી યાર્ડમાં ટ્રેન પર ચડીને સેલ્ફી લેવા જતાં દાઝનાર યુવકનું મોત

સ્કૂલે વાલીઓને શરત સાથે લિવિંગ સર્ટિફિકેટ જારી કર્યાં છે જેથી તેમને ફી ભરવા માટેની અંતિમ તક મળી શકે અને અમે ભરેલાં પગલાં પાછાં લઈ શકીએ. અમે ભાર મૂકવા માગીએ છીએ કે બધા વાલીઓ સ્વૈચ્છિક રીતે ફી ભરે. સ્કૂલને તમામ વાલીઓનો સપોર્ટ છે જેઓ સ્કૂલની શિક્ષણની ક્વૉલિટી ઉપરાંત અન્ય ઍક્ટિવિટીની પ્રશંસા કરી છે, જે બાળકોના વિકાસ માટે જરૂરી છે અને ફી બાબતે કોઈ ફરિયાદ નથી કરી. દુ:ખની વાત છે કે કેટલાક વાલીઓ કોઈકના વ્યક્તિગત સ્વાર્થથી ગેરમાર્ગે દોરાયા છે, જેઓ સ્કૂલના સહકારભર્યા વાતાવરણને ડિસ્ટર્બ કરી રહ્યા છે. સ્કૂલે વાલીઓ અને તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં સંપૂર્ણ પારદર્શિતા દાખવી છે અને તેમનો અમારા પગલામાં સહયોગ છે.’

mumbai news dahisar