વૅક્સિનના બે ડોઝ લેવા છતાં કોરોનામાં જીવ ગયો

11 May, 2021 07:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સામાન્યપણે આવું બનતું નથી પણ દહિસર પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ સંદીપ તાવડે સાથે બન્યું : તેમને સારું થતાં આઇસીયુમાંથી જનરલ વૉર્ડમાં લાવવામાં આવ્યા હતા, પણ પાછી તબિયત બગડી એમાં મૃત્યુ થયું

દહિસર પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ સંદીપ તાવડે

દહિસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ સંદીપ તાવડે (૪૮ વર્ષ)ને વૅક્સિનના બે ડોઝ લીધા એને એક મહિનાથી વધારે સમય વીત્યા બાદ કોરોના થતાં તેમનું મૃત્યુ થયું હોવાની વાત પ્રકાશમાં આવી છે. સામાન્યપણે બે ડોઝ લીધા પછી કોરોનાને કારણે મૃત્યુ થાય એવું બનતું નથી.

૪૮ વર્ષના હેડ કૉન્સ્ટેબલ સંદીપ તાવડે દહિસર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. ડ્યુટી પર ફરજ બજાવતા સંદીપ તાવડે કોરોના સંક્રમિત થયા હતા. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં તેઓ ડ્યુટી પર હતા. આ વિશે દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘૧૨ ફેબ્રુઆરીએ સંદીપ તાવડેએ વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ત્યાર બાદ ૧૩ માર્ચે તેમણે બીજો ડોઝ લીધો હતો. જોકે સંદીપ તાવડેની તબિયત બરાબર ન હોવાથી ચેક કરાવતાં ૨૧ એપ્રિલે તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમને શરૂઆતમાં દહિસરના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતા, પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો ન હોવાથી તેમને બે-ત્રણ દિવસની અંદર જ સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા બાદ શરૂઆતમાં તેમને આઇસીયુ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો. એથી તેમને ફરી જનરલ વૉર્ડમાં શિફ્ટ કરાયા હતા. ત્યાર બાદ તેમની તબિયત ફરી ખરાબ થઈ જતાં તેમને પાછા આઇસીયુમાં શિફ્ટ કરાયા હતા અને ત્યાર બાદ બાદ તેમની તબિયત લથડતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.’

દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંદીપ તાવડે ખૂબ હોશિયાર પોલીસ કર્મચારી હતો. તેના મૃત્યુથી ખૂબ દુ:ખ થયું છે. દહિસર (ઈસ્ટ)માં રહેતા સંદીપ તાવડેની પત્ની અને બીકૉમના સેકન્ડ યરમાં ભણતતા ૨૦ વર્ષના દીકરાનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સંદીપને પહેલાં તાવ અને થાક લાગી રહ્યો હતો. ત્યાર બાદ ૨૧ એપ્રિલે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેને શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા આવી રહી હતી. સેવન હિલ્સમાં આઇસીયુમાં શિફ્ટ કરાયા પછી તેની તબિયત સારી થઈ ગઈ હતી, પરંતુ જનરલમાં શિફ્ટ કરાયા બાદ ફરી તબિયત લથડી જતાં આઇસીયુમાં શિફ્ટ કરાયો હતો. જોકે શુક્રવારે મોડી રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સંદીપને કદાચ ડાયાબિટીઝ હતો. સંદીપના પરિવારને ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ હેલ્પ હશે એ કરવામાં આવી રહી છે અને દહિસર પોલીસથી પણ જે જોઈતી હેલ્પ હશે એ આપવામાં આવશે.’

તમે જે કેસની વાત કરી રહ્યા છો એની હું માહિતી મેળવું છું. સામાન્ય રીતે વૅક્સિનના બે ડોઝ પછી પણ લોકો પૉઝિટિવ આવે છે પણ તેઓ રિકવર થઈ જાય છે.
ડૉ. બાલકૃષ્ણ અડસુલે, સેવનહિલ્સ હૉસ્પિટલના હેડ

mumbai mumbai news coronavirus covid vaccine covid19 vaccination drive preeti khuman-thakur dahisar