ઝવેરીને મળેલા પહેલા કામનું કારીગરોએ કર્યું કામ તમામ

15 June, 2021 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ મહિનાથી કામ બંધ હોવાથી નવો ઑર્ડર મળતાં બહારથી માણસોને બોલાવીને તેમને ૧૯ લાખનું સોનું આપીને દાગીના બનાવવા કહ્યું, પણ તેઓ ગોલ્ડ લઈને જ ભાગી ગયા

પ્રતીકાત્મક તસવીર

તાડદેવમાં સોનાનાં ઘરેણાં બનાવતા કારખાનામાં માલિકે રાખેલા ત્રણ માણસો ઑર્ડરનું ૧૯ લાખ રૂપિયાનું સોનું લઈને પલાયન થઈ ગયા હતા. લૉકડાઉન બાદ આવેલા પહેલા ઑર્ડરને પૂરો કરવા માટે પોતાના કારીગરો વતન ગયા હોવાથી કામ માટે બહારથી કારીગરો બોલાવવાનું માલિકને ભારે પડ્યું હતું. આ કારીગરો ઑર્ડરનો બધો માલ લઈને નાસી ગયા હતા. આરોપીઓ કોની ભલામણથી આવ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ અમે શોધી રહ્યા છીએ એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ‘ફરિયાદી દીપક બચરનું તાડદેવમાં જનતા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સોનાનાં ઘરેણાં બનાવવાનું કારખાનું છે. લૉકડાઉન હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી વેપાર બંધ હોવાથી તેમના બધા કારીગરો વતનમાં ગયા હતા. હાલમાં કોરોનાના કેસ અંકુશમાં આવતાં લૉકડાઉન ખૂલ્યું હતું. એમાં તેમને ઘરેણાં બનાવવાનો ઑર્ડર મળ્યો હતો. એને પૂરો કરવા માટે તેમણે ત્રણ કારીગરો બલરામ રોહિદાસ, શાનુ રોહિદાસ, તન્મય રોહિદાસને કામે રાખ્યા હતા. શુક્રવારે તેમને ઘરેણાં બનાવવા માટેનું સોનું માલિકે કારખાના પર આપ્યું હતું અને તેઓ પોતાના કામે જવા નીકળ્યા હતા. થોડી વારમાં પાછા આવ્યા ત્યારે ત્રણે નોકરો સોનું લઈને પલાયન થઈ ગયા હતા. એની તેમણે તાડદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

તાડદેવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં અમે તેમના મોબાઇલ ફોનના લોકેશન સાથે અન્ય રીતે પણ તપાસ કરી રહ્યા છીએ. એ સાથે તેઓ કોની ભલામણથી દીપક પાસે કામે લાગ્યા હતા એની પણ તપાસ કરી રહ્યા છીએ. તેમની વિરુદ્ધનો કોઈ જૂનો રેકૉર્ડ અમને મળ્યો નહોતો.’

mumbai mumbai news tardeo Crime News mumbai crime news mumbai police