લૉકડાઉન હોવા છતાં ડાન્સબારમાં જલસા કરતા ગુજરાતીઓની ધરપકડ

10 May, 2021 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશીમીરાના માનસી ઑર્કેસ્ટ્રા બારમાં રેઇડ પાડીને પોલીસે ૧૯ જણની અરેસ્ટ કરી. કસ્ટમરો પાસેથી તગડી રકમ લઈને બાર ચલાવવામાં આવતો હોવાનો આરોપ

કાશીમીરામાં હાઇવે પર આવેલી માનસી બાર ઍન્ડ રેસ્ટોરાં.

કોરોનાની બીજી લહેરમાં બધા ઝઝૂમી રહ્યા છે ત્યારે કેટલાક લોકો આવા સંકટના સમયમાં પણ ઍન્જૉય કરવા કંઈ પણ કરવા તૈયાર રહેતા હોવાની ચોંકાવનારી ઘટના મીરા રોડમાં બની છે. કાશીમીરા વિસ્તારમાં આવેલા માનસી ઑર્કેસ્ટ્રા બારમાં કેટલાક વીઆઇપી લોકો પાસેથી મોટી રકમ લઈને ગેરકાયદે યુવતીઓને બોલાવી તેમની પાસે ડાન્સ કરાવાતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને અમુક ગુજરાતીઓ સહિત કુલ ૧૯ આરોપીની શનિવારે રાત્રે ધરપકડ કરી હતી.

કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હજારેને બાતમી મળી હતી કે ‘હાઇવે પર અમર પૅલેસ નાકા પર આવેલા માનસી ઑર્કેસ્ટ્રા બારમાં હોટેલના માલિક શ્યામ કોરડે અને રવિ શેટ્ટીએ તેમની હોટેલમાં કામ કરતી બારબાળાઓને છુપાવવા માટે છૂપી રૂમો બનાવી છે. અહીં ૬ બારબાળાને રખાઈ છે. હોટેલનો સ્ટાફ આ બારબાળાઓને કસ્ટમર સામે ટૂંકાં કપડાં પહેરીને ડાન્સ કરાવી રહ્યો છે. લૉકડાઉનમાં બધુ બંધ હોવા છતાં અહીં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે.’

આથી કાશીમીરા પોલીસની ટીમે અહીં શનિવારે રાત્રે ૩ વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યારે આશિષ જોશી, શૈલેશ ઝગડે, સુભાષ ઝા, ચિરાગ શાહ, મયૂર દાભોળકર, પરેશ મુજીદ્રા, મૌલિક શાહ, જિજ્ઞેશ શાહ, દેવીશંકર યાદવ, પ્રકાશ ગણાવત, રૂપેશ રાઠોડ, ભાવેશ પારેખ, રાજેશ ઘારે નામના આરોપીઓ ડાન્સ કરી રહેલી બારબાળાઓ પર પૈસા ઉડાવી રહ્યા હતા. આથી પોલીસે આ તમામની ધરપકડ કરી હતી. 

આ સિવાય હોટેલનો કેટલોક સ્ટાફ મળીને કુલ ૧૯ આરોપી સામે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૩૦૮, ૨૬૯, ૨૭૦, ૩૪ સહિત કોવિડના નિયમના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ૧,૯૧,૫૫૦ રૂપિયા કૅશ અને ૬૯,૪૭૦ રૂપિયાની કિંમતની દેશી-વિદેશી દારૂની બૉટલો જપ્ત કરવામાં આવી હતી હતી. હોટેલના માલિક શ્યામ કોરડે અને રવિ શેટ્ટી પલાયન થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.

કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હજારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં તમામ હોટેલો બંધ છે ત્યારે માનસી બારમાં છૂપી રીતે કેટલાક વીઆઇપી કસ્ટમરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ હોવાની બાતમી મળી હતી. અમને ખબરીઓએ માહિતી આપી છે કે વીઆઇપી કસ્ટમરો પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી. જોકે કસ્ટમરો પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવતા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ. પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mira road mumbai police