વસઈના ATMમાંથી ચોરી થયેલા 10.92 લાખ મળ્યા પણ આરોપી હાથ ન લાગ્યો

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Samiullah Khan

વસઈના ATMમાંથી ચોરી થયેલા 10.92 લાખ મળ્યા પણ આરોપી હાથ ન લાગ્યો

ડીસીબી બેન્ક

વસઈના વાલીવ પોલીસ સ્ટેશને ગયા શુક્રવારે ડીસીબી બૅન્કના એટીએમમાંથી રોકડ રકમની ચોરીના કેસની તપાસમાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ચોરાયેલી પૂરેપૂરી રકમ પાછી મેળવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આરોપી રફુચક્કર થઈ ગયો છે. વાલીવ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સીસીટીવી ફુટેજને આધારે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરતાં ચોરના સગડ મળ્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસ ટીમ ચોરના ઘરે પહોંચી ત્યારે ઘરને તાળું મારેલું હતું. બે સાક્ષીઓની હાજરીમાં તાળું તોડ્યા પછી ઘરમાંથી એક બૅગ મળી હતી. સીસીટીવી ફુટેજમાં જોવા મળેલી બૅગમાંથી ૧૦.૯૨ લાખ રૂપિયા મળ્યા હતા. આ કેસનો ચોર અગાઉ સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સમાં લોડરનું કામ કરતો હતો. ઑટોમૅટિક ટેલર મશીન્સ (એટીએમ)માં રોકડ રકમ ભરવાની કામગીરી સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ સંભાળે છે. પોલીસે જણાવ્યા પ્રમાણે ચોર એટીએમમાં ચોરી કર્યા પછી તેના મામાને ઘરે ગયો હતો, પરંતુ પોલીસ તેને શોધતી હોવાનું જાણ્યા પછી તે મામાને ઘરેથી પણ નાસી ગયો હતો.

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના એરિયા મૅનેજર અજય ગાયકવાડે જણાવ્યું હતું કે ‘વસઈમાં એક એટીએમ કામ ન કરતું હોવાનું જાણ્યા પછી એમાંથી રોકડ રકમ કાઢી લેવા માટે એક લોડરને મોકલ્યો હતો. લોડર ત્યાં પહોંચ્યો ત્યારે એટીએમ તૂટેલું હતું અને રોકડ રકમ એમાં નહોતી.’

vasai mumbai mumbai news Crime News mumbai crime news samiullah khan