ગેરકાયદે ચાલતા વીઓઆઇપી એક્સચેન્જનો પર્દાફાશ : એકની ધરપકડ

31 May, 2020 08:25 AM IST  |  Mumbai | Agencies

ગેરકાયદે ચાલતા વીઓઆઇપી એક્સચેન્જનો પર્દાફાશ : એકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મિલિટરી ઇન્ટેલિજન્સે આપેલી માહિતીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મુંબઈના ગોવંડીમાં ગેરકાયદે ચાલતા વીઓઆઇપી એક્સચેન્જનો પર્દાફાશ કરી એક જણની ૧૨૧ સીમ કાર્ડ સાથે ધરપકડ કરી હતી.

મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા કહેવાયું હતું કે વિદેશથી આવતા ઇન્ટરનૅશનલ વીઓઆઇપી કૉલ ગેરકાયદેથી સીમ બૉક્સની મદદ વડે ઍરટેલના બે જ મોબાઇલ નંબરથી દેશના અન્ય ભાગોમાં ડાઇવર્ટ કરી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવાઈ રહ્યું છે.

આ માહિતીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૬ અને ૧૧ના ચુનંદા અધિકારીઓએ તપાસ ચાલુ કરી હતી. ટેક્નિકલ તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે બન્ને કાર્ડ અનુક્રમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સર્કલમાં ઍક્ટિવેટ છે. કૉલ પૅટર્નની તપાસ કરતાં એ બધા જ કૉલ ઇનકમિંગ અને આઉટ ગોઇંગમાં ગોવંડીનું લોકેશન જણાઈ આવ્યું હતું. એથી એના આધારે તપાસ કરી ગોવંડીના શિવાજી નગરના નટવર પારેખ કમ્પાઉન્ડમાં રહેતા ૩૮ વર્ષના આરોપીને ઝડપી લેવાયો હતો.

આરોપી પાસેથી ૩૨ સ્લૉટના ૩ સિમ બૉક્સ અને ૧૬ સ્લૉટનું એક સિમ બોક્સ, વધુ એક ૩૨ સ્લૉટનું પેક સિમ બોક્સ, અલગ-અલગ કંપનીના ૧૨૧ સીમ કાર્ડ, એક લૅપટૉપ, બે રાઉટર, અને ૧૦ મોબાઇલ ફોન સાથે અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરાઈ હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો સહિત આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરાઈ રહી છે.

mumbai mumbai crime news Crime News india china govandi mumbai crime branch