મૈંને પ્યાર કિયા હૈ, ઍસિડ-અટૅક યા ફિર રેપ નહીં કિયા: માથાફરેલ પ્રેમી

22 February, 2020 07:54 AM IST  |  Mumbai | Diwakar Sharma

મૈંને પ્યાર કિયા હૈ, ઍસિડ-અટૅક યા ફિર રેપ નહીં કિયા: માથાફરેલ પ્રેમી

સુબ્રતો ભટ્ટાચાર્ય

૪૩ વર્ષનાં જાણીતાં સાઇકિયાટ્રિસ્ટને ફાલતુ ઇશ્કિયા મેસેજજિસ મોકલીને અને પીછો કરીને હેરાન કરતા ૩૭ વર્ષના ટપોરી ‘પ્રેમપૂજારી’ સુબ્રતો ભટ્ટાચાર્યની જુહુ પોલીસે ધરપકડ કરી છે. ઉક્ત મહિલા સાઇકિયાટ્રિસ્ટે સુબ્રતો સામે સૌથી પહેલાં ૨૦૧૧માં ફરિયાદ નોંધાવી હતી, ત્યાર પછી ૨૦૧૫ની ૨૪ જાન્યુઆરીએ પાછી ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૮ની છઠ્ઠી જૂને સુબ્રતો અને તેનો મિત્ર ડોરબેલ વગાડીને નાસી ગયા ત્યારે એ સાઇકિયાટ્રિસ્ટ મહિલાએ સુબ્રતો સામે પોલીસ-સ્ટેશનમાં ત્રીજી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે ‘ગયા બુધવારે હું મારી બહેન સાથે જુહુના બગીચામાં ફરતાં હતાં ત્યારે એક માણસ નાળિયેરના ઝાડને આલિંગન કરતો હતો. એ વખતે તે અમારી તરફ જોતો હતો. અમે નાળિયેરના ઝાડ પાસે પહોંચ્યાં ત્યારે સુબ્રતો બોલ્યો, ‘સાથ દો હાથ દો’. લોકો નજીક આવવા માંડ્યા અને શોરબકોર થવા માંડ્યો ત્યારે સુબ્રતોએ બગીચામાંથી પલાયન થવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સિક્યૉરિટી ગાર્ડ્સે તેને પકડી લીધો હતો. ગાર્ડ્સ અને લોકોએ પકડ્યો ત્યારે સુબ્રતો બોલ્યો કે ‘મૈંને પ્યાર કિયા હૈ, કોઈ ગુનાહ નહીં. ઍસિડ-અટૅક યા ફિર રેપ નહીં કિયાના! ત્યાર પછી મેં પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કર્યો હતો. વીસેક મિનિટમાં પોલીસ-વૅન આવી પહોંચી હતી. એટલો વખત અમે સુબ્રતોને રોકી રાખવા માટે વાતો ચાલુ રાખી અને કેટલાક લોકો તેના રસ્તાની આડે ઊભા હતા. પોલીસે પહોંચીને તેની ધરપકડ કરી હતી.’

સાઇકિયાટ્રિસ્ટે વધુમાં જણાવ્યું કે ‘સુબ્રતો ૨૦૧૧ની શરૂઆતનાં વર્ષોમાં મારા ક્લિનિકમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ બનીને આવતો હતો. એક દિવસ તેણે કહ્યું કે મને ડિપ્રેશનની તકલીફ છે. તમે એનો ઉપચાર કરી શકશો? તેણે સારવારના ખર્ચ કરવાની અક્ષમતા દર્શાવી હતી. મેં પણ તેને વિનામૂલ્ય સારવાર કરવાની ખાતરી આપી, કારણ કે એ પણ મેડિકલ બૅકગ્રાઉન્ડનો માણસ હતો. ત્યાર પછી સુબ્રતો કોઈ જ્યોતિષીને મળ્યો હતો. જ્યોતિષીએ તેને જીવનધોરણ સુધારવા માટે મારી સાથે પરણવાના આગ્રહભર્યા પ્રયાસ કરવાની સલાહ આપી હતી. થોડા દિવસો પછી સુબ્રતો મારી પાસે લગ્નની દરખાસ્ત લઈને આવ્યો હતો. મેં ના પાડ્યા પછી તેણે મારો પીછો કરવાનું શરૂ કર્યું હતું. તે ત્યાં ન અટક્યો અને મને બીભત્સ સંદેશા મોકલવાનું શરૂ કર્યું હતું. તે એવું લખતો હતો કે ‘આપ મેરી સીતામૈયા હો, આપ મેરે સિર પર હાથ રખ દો. તુમ મેરી કિરન હો.... વગેરે.’

સુબ્રતો છુપાઈને અને દેખાવ બદલીને પીછો કરવામાં ઉસ્તાદ હતો. એક વખત હું મારી બહેન સાથે ઇસ્કૉન મંદિરે જતી હતી ત્યારે એ છુપાતો-છુપાતો પીછો કરતો હતો. તે સામે આવ્યો ત્યારે તેણે માથું મુંડાવીને હરે રામા, હરે ક્રિશ્ના લખેલાં કપડાં પણ પહેર્યાં હતાં.

juhu mumbai crime news Crime News mumbai crime branch mumbai news diwakar sharma