પૉશ એરિયામાં ચરસ સપ્લાય કરવા આવેલા શખસની અરેસ્ટ

13 May, 2021 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭ લાખ રૂપિયાનું ચરસ કોઈને આપવા આવેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે અંધેરીમાંથી ઝડપી લીધો

૨૭ લાખના ચરસ સાથે પકડાયેલા આરોપી સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ.

અંધેરી (પૂર્વ)માં એમઆઇડીસી વિસ્તારમાં નશીલા પદાર્થ ચરસની હેરાફેરી કરવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સાંજે ૪૨ વર્ષના એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૨૭.૯૦ લાખ રૂપિયાની કિંમતનું ૯૭૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ નશીલો પદાર્થ આરોપી પૉશ વિસ્તારમાં કોઈકને સપ્લાય કરવા આવ્યો હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૦ની ટીમને બાતમી મળી હતી કે અંધેરી (પૂર્વ)માં એમઆઇડીસી વિસ્તારમાં થાણે જિલ્લામાં આવેલા દિવામાં રહેતો એક યુવક નશીલા પદાર્થ ચરસની સપ્લાય કરવા આવવાનો છે. પોલીસે સાંજે સાતેક વાગ્યે એમઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દામજી શામજી કંપનીની સામે પેપર બૉક્સ ખાતે એક યુવકને હાથમાં થેલી સાથે આમતેમ આંટા મારતો જોયો હતો. 

પોલીસની ટીમે તે યુવકની શંકાના આધારે પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ નહોતો આપી શક્યો એટલે તેની પાસેથી થેલી તપાસતાં એમાંથી ૯૭૦ ગ્રામ નશીલો પદાર્થ ચરસ મળી આવ્યો હતો. આથી પોલીસે સચિન માનસિંહ કદમ નામના એ યુવકની નશીલા પદાર્થની ગેરકાયદે હેરાફેરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૦ના ઇન્ચાર્જ કિરણ લોંઢેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી નશીલા પદાર્થ ચરસની ડિલિવરી કરવા આવ્યો હતો. તેની પાસેથી આ પદાર્થ લેનારા ડ્રગ પેડલરો આ માલ અંધેરી અને જુહુ સહિતના પૉશ વિસ્તારમાં સપ્લાય કરતા હોવાનું પૂછપરછ પરથી જણાઈ આવ્યું છે. આ નશીલો પદાર્થ તેને કોઈકે માત્ર ડિલિવરી કરવા માટે આપ્યો હોવાનું આરોપી કહી રહ્યો છે. જોકે અમને શંકા છે કે તે મુંબઈ નજીકથી મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગૅન્ગ સાથે સંકળાયેલો છે અને તે અહીંના પૉશ વિસ્તારમાં નશીલા પદાર્થ પહોંચાડતા લોકોને ઓળખે છે. આ બાબતે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી મુંબઈમાં નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓ સામે ઍન્ટિ-નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ઉપરાઉપરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને નશીલા પદાર્થની મોટા પાયે સપ્લાય કરાતી હોવાનું સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે પણ ડ્રગ પેડલરો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. 

mumbai mumbai news andheri Crime News mumbai crime news