આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી છેતરપિંડી કરતી ગૅન્ગ પકડાઈ

04 November, 2020 08:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી છેતરપિંડી કરતી ગૅન્ગ પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં આવેલી એક બૅન્કની સતર્કતાને કારણે મુલુંડ પોલીસે એક મહિલા સહિત છ આરોપીની ધરપકડ દિલ્હીથી કરી હતી. આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે એક બૅન્ક અધિકારીએ સ્થાનિક ચિકન વેચનારની દુકાન પર તેઓએ આપેલા ઇડીસી મશીન પર મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો નોંધ્યા હતા. બાદમાં બૅન્ક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પત્રકાર પરિષદ દરમ્યાન પોલીસ અધિકારીઓ.

ઘટના અનુસાર મુલુંડ વૈશાલીનગર વિસ્તારમાં આવેલી એસબીઆઇ બૅન્કમાં મુલુંડમાં ચિકન શૉપ ધરાવનાર પાસે બૅન્ક દ્વારા આપેલા ઇડીસી મશીન જેમાં તે આંતરરાષ્ટ્રીય લોકોના કાર્ડ સ્કેચ કરતો હતો. જેમાં મુંબઈ કરતાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારે પ્રમાણમાં દેખાઈ આવતા બૅન્ક દ્વારા મુલુંડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ચિકન શૉપ ઓનરની ધરપકડ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેણે મશીન દિલ્હી મોકલ્યું છે અને જેનું તેને કમિશન મળે છે.

મુલુંડ પોલીસની એક ટીમ ગયા અઠવાડિયાના અંતમાં દિલ્હી ગઈ હતી અને આ કારભાર કરતી ઑફિસ પર રેડ કરી હતી. જેમાં મુંબઈનું મશીન ઑફિસમાં મળી આવ્યું હતું, સાથે અન્ય કેટલાંક મશીનો અને કમ્પ્યુટરો પણ પોલીસે વધુ તપાસ માટે કબજે કર્યાં હતાં. તેઓએ ત્યાંથી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

મુલુંડ વિભાગ એસીપી પાંડુરગ શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આરોપી વેલ એજ્યુકેટેડ છે. તેઓ ડાર્કવેબ પરથી ડાટા ખરીદી આવા ક્રાઇમને અંજામ આપતા હતા. તેઓ પાસેથી અમને ૧૩ ઇડીસી મશીન મળી આવ્યાં છે. વધુ તપાસ હાથ ધરાઈ છે.

mulund mumbai crime news Crime News mumbai police