મુંબઈ : પેટ્રોલ પમ્પના સ્ટાફ પર હુમલો કરનારા આરોપીઓની સઘન શોધખોળ

20 September, 2020 10:45 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : પેટ્રોલ પમ્પના સ્ટાફ પર હુમલો કરનારા આરોપીઓની સઘન શોધખોળ

વસઇના પેટ્રોલ પમ્પ પર સ્ટાફના સભ્યો પર હુમલો કરનારા શખ્સોને પકડવા પોલીસે તેમની શોધખોળને વધુ તીવ્ર બનાવી દીધી છે. તસવીર સૌજન્ય / હનીફ પટેલ

વસઈમાં આવેલા ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પર શુક્રવારે સાંજે બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવેલા શખસોએ માસ્ક ન પહેર્યા હોવાથી સ્ટાફના સભ્યોએ પેટ્રોલ ભરી આપવાનો ઇનકાર કરતાં તેમના પર હુમલો કરનારા ડઝનબંધ શખસોની ધરપકડ કરવા પોલીસે સોપારા ગામમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

સ્ટાફના સભ્યોએ બાઇકર્સને સરકારી નિયમ અનુસાર માસ્ક્સ પહેરવા જણાવ્યું, તેને પગલે આરોપી અને પેટ્રોલ પમ્પના સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ શાબ્દિક ટપાટપીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાઇકર્સે તેમના સાગરિતોને બોલાવતાં તેઓ ૩૦ મિનિટ પછી પેટ્રોલ પમ્પમાં ઘૂસી ગયા હતા અને ઘટનાસ્થળે બે પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં સ્ટાફ પર હુમલો કર્યો હતો.

આ ઘટનાક્રમ થોડી મિનિટો સુધી જારી રહ્યો હતો અને પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોએ સ્ટાફના મહિલા સભ્યોને પણ ઈજા પહોંચાડી હતી. સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મોટાભાગના હુમલાખોરો ૨૧થી ૩૪ વર્ષના હતા અને તેઓ નાલાસોપારાના સોપારા ગામના રહીશો હતા.

અમે આરોપીઓને શોધી રહ્યા છીએ. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મહિલા સ્ટાફને સાક્ષી બનાવવામાં આવ્યો છે, ફરાર આરોપીઓ વિરુદ્ધ તોફાન મચાવવાનો અને હુમલાનો કેસ જ્યાં નોંધાયો છે તે માનિકપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કામ્બલેએ જણાવ્યું હતું. સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે હુમલો થતો અટકાવવામાં નિષ્ફળ રહેલા બનાવ વખતે ઘટનાસ્થળે હાજર બે પોલીસ કર્મચારીએ વિભાગીય તપાસનો સામનો કરવો પડી શકે છે.

vasai nalasopara Crime News mumbai crime news crime branch mumbai news diwakar sharma