મુંબઈ : થાણેમાં જાહેરમાં સિગારેટ પીતા ટોળા સામે ફરિયાદ

21 March, 2020 10:33 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ : થાણેમાં જાહેરમાં સિગારેટ પીતા ટોળા સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં જી. બી. રોડ પર ગુરુવારે મોડી રાતે કોરોના વાઇરસને લીધે લોકોને એકત્રિત થવા પર અને જાહેર સ્થળે સિગારેટ પીવાની મનાઈ કરાઈ હોવા છતાં ૨૫ યુવક-યુવતીઓ એક કંપનીની બહાર ટોળે વળેલાં દેખાવાથી પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ લોકોને સિગારેટ પીવાની અને વિખેરાઈ જવાની ચેતવણી આપતાં તેઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે થાણેમાં રાત્રે પૅટ્રોલિંગ કરી રહેલી કાસરવડવલી પોલીસ-સ્ટેશનના પોલીસને સાંઈનગરમાં જી-ક્રૉપ કંપનીના ગેટ પર ૨૫ જેટલાં યુવક-યુવતીઓ સિગારેટ પીતાં ટોળે વળેલાં દેખાયાં હતાં. આ યુવક-યુવતીઓને વિખેરાઈ જવાનું પોલીસે કહ્યું ત્યારે તેમણે વિરોધ વ્યક્ત કરીને પોલીસ સામે ચીસાચીસ કરી મૂકી હતી.

એક પોલીસ-કર્મચારીએ યુવક-યુવતીઓ સિગારેટ પીતાં હોવાનો વિડિયો મોબાઇલથી લેવાની શરૂઆત કરતાં કેટલીક યુવતીઓ તેમની તરફ ધસી ગઈ હતી અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં બન્ને પોલીસે તેમના વાહનમાં ચાલ્યા જવું પડ્યું હતું.

કાસરવડવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર ખૈરનારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવક-યુવતીઓનું ટોળું કાયદાનો ભંગ કરતાં હોવાનો મેસેજ ઘટનાસ્થળે વાહનમાં બેઠેલા પોલીસે આપ્યા બાદ અમે બીજા પોલીસને ત્યાં મોકલ્યા હતા. જોકે તેઓ ત્યાં પહોંચે એટલી વારમાં પેલું ટોળું વિખેરાઈ ગયું હતું. અમે અજાણ્યા ૨૫ જેટલાં યુવક-યુવતીઓ વિરુદ્ધ કાયદો તોડવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

કોરોના વાઇરસથી દુનિયાઆખીમાં ભયંકર પરિણામ આવી રહ્યાં છે ત્યારે આપણા યુવાનિયાઓ પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ટોળે વળીને સિગારેટ પીને જલસા કરીને જાણે તેમને કંઈ જ પડી ન હોય એવું વર્તન કરે છે એ શરમજનક છે. તેમને લીધે બીજાઓના જીવ જોખમમાં મુકાય છે એ તેમણે જોવું જોઈએ એમ પોલીસે કહ્યું હતું.

thane thane crime mumbai mumbai news prakash bambhrolia