મુંબઈ : નવી મુંબઈમાં બોગસ ઈ-પાસ વેચતી ગૅન્ગ પકડાઈ

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : નવી મુંબઈમાં બોગસ ઈ-પાસ વેચતી ગૅન્ગ પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં લોકોને બહારગામ જવા માટે જરૂરી ઈ-પાસની બોગસ નકલ કરીને વેચવાના આરોપસર મંગળવારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બહાર પ્રવાસ કરવા માટે પ્રશાસને ઈ-પાસ બનાવવાની વ્યવસ્થા ઊભી કરી છે તેનો દુરુપયોગ આ આરોપીઓ કરતા હોવાની માહિતી મળ્યા બાદ પનવેલ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજયકુમાર લાંડગેના જણાવ્યા મુજબ કેટલાક લોકો બહારગામ જવા માગતા લોકોને બનાવટી ઈ-પાસ આપીને છેતરતા હોવાની જાણ થયા બાદ અમે તપાસ કરીને ૨૧ વર્ષના મારુતિ રાઠોડ, ૨૮ વર્ષના જાવેદ શેખ અને ૪૨ વર્ષના સલીમ શેખ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીઓની તપાસમાં જણાયું હતું કે તેમણે પનવેલથી જાલના જવા માટેના ચાર બનાવટી ઈ-પાસ બનાવ્યા હતા. આ પાસની સાથે ત્રણેય આરોપી પાસેથી ૩૨ હજાર રૂપિયા કૅશ જપ્ત કરાયા હતા. આરોપીઓ સામે આઇપીસીની કલમો ૪૨૦, ૪૬૫ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી.

આરોપી મારુતિ રાઠોડ જાલનામાં, સલીમ શેખ નવી મુંબઈ અને જાવેદ શેખ બીડમાં રહેતો હોવાનું જણાયું હતું. પોલીસે લોકોને આહ્‌વાન કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે દલાલને બદલે જેમને બહારગામનો પ્રવાસ કરવો હોય તેઓ Covid19.mhpolice.in વેબસાઈટ પરથી ઈ-પાસ કઢાવી શકે છે.

mumbai mumbai news Crime News mumbai crime news panvel navi mumbai