સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો

29 January, 2020 04:21 PM IST  |  Mumbai | Mehul Jethva

સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો

ટ્રસ્ટી જૉની જોસેફ

મુલુંડની એક સ્કૂલના ટ્રસ્ટીએ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની એક નાનકડી ભૂલ થતાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો હતો. પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરાતાં ટ્રસ્ટીની પોસ્કો કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

મુલુંડ-વેસ્ટમાં કૉલોની વિસ્તારમાં આવેલી જે. જે. ઍકૅડેમી શાળાના ટ્રસ્ટીએ દસમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાંથી બહાર બોલાવીને માર મારવાનું શરૂ કર્યું હતું. બીજા વિદ્યાર્થીઓ એ જોઈ રહ્યા હતા એટલે ટ્રસ્ટીએ તેને પોતાની કૅબિનમાં લઈ જઈને માર માર્યો હતો, એટલું જ નહીં, તેના પ્રાઇવેટ પાર્ટ પર પણ હાથ વડે ફટકો માર્યો હતો. વિદ્યાર્થીને એટલા જોરથી મારવામાં આવ્યો હતો કે તેની પીઠ પર તેમના હાથના નિશાન પડી ગયાં હતાં. આ વાતની વિદ્યાર્થીએ તેનાં મમ્મી-પપ્પાને વાત કરતાં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

માર દેખાડતો વિદ્યાર્થી.

આ સંદર્ભે ‘મિડ-ડે’એ વિદ્યાર્થીના પિતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા દીકરાની સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા સુધીની સ્કૂલ હોય છે. બપોરે સાડાબાર વાગ્યે મારી પત્ની શાળામાં બોનોફાઇડ લેવા માટે ગઈ હતી. ઉપસ્થિત શિક્ષકે શાળાના ટ્રસ્ટી ૪૩ વર્ષના જૉની જોસેફને મળવાનું કહ્યું હતું. જૉનીસરે જણાવ્યું હતું કે તમારા છોકરાએ મારું કોઈ અલગ પ્રકારનું કાર્ટૂન બનાવીને આખી શાળામાં વાઇરલ કર્યું છે. હું તમારા છોકરાને શાળામાંથી કાઢી મૂકીશ અને ફેલ પણ કરીશ. આ વાતની મને જાણ થતાં મેં તરત જ પૂછવા માટે છોકરાને બોલાવ્યો હતો. તેણે મને જણાવ્યું કે સવારના મારો કોઈ વાંક ન હોવા છતાં શાળાના ટ્રસ્ટીએ બધાની સામે લાતથી અને હાથથી માર માર્યો હતો. એ ઉપરાંત મને કૅબિનમાં લઈ જઈને મારા પ્રાઇવેટ પાર્ટ પર પણ તેમણે માર માર્યો હતો. આ વાત સાભળીને મેં જૉનીસરને પૂછતાં તેમણે મને ધમકી આપી હતી કે મેં માર્યું છે એમ જો તું કોઈને કહીશ તો તારા છોકરાને ફેલ કરીશ અને કોઈ ‍‍‍‍શાળામાં ઍડ્મિશન પણ ન મળે એવી હાલત કરી નાખીશ. આ વાત સાંભળતાં મને પાકો વિશ્વાસ થયો કે મારા છોકરાની કોઈ ભૂલ નથી એથી અમે પોલીસ-સ્ટેશનમાં ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’

મુલુંડના પોલીસ ઑફિસર ચેતન બાગુળે જણાવ્યું હતું કે ‘જેજે ઍકૅડેમી શાળાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં શાળાના ટ્રસ્ટી જૉની જોસેફ છોકરાને મારતા દેખાઈ રહ્યા હતા. આ ઘટના ૨૭ જાન્યુઆરીએ સવારે ૧૧.૩૦ વાગ્યે બની હતી. આ ઘટના શાળાના વૉચમૅને પણ જોઈ હતી એથી વૉચમૅનનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવશે. જૉની જોસેફની આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬-એ ઉપરાંત પોસ્કો ઍક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.’

mulund mumbai Crime News mumbai crime news