મુંબઈ : ટેલરની ફરિયાદ પર મનસેના શાખાપ્રમુખની ધરપકડ કરાઈ

22 February, 2020 07:54 AM IST  |  Mumbai

મુંબઈ : ટેલરની ફરિયાદ પર મનસેના શાખાપ્રમુખની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

ચારકોપ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના શાખાપ્રમુખ સાથે હજી એક વ્યક્તિની એક ટેલર પાસે ખંડણી માગવાના આરોપમાં ધરપકડ કરી છે. ટેલર પાસે ખંડણી માગવાનું કારણ એ હતું કે ટેલરે થોડા વખત પહેલાં એક મહિલાનો વિનયભંગ કર્યો હતો અને આ કેસમાં ભીનું સંકેલવા માટે શાખાપ્રમુખ ખંડણી માગી રહ્યો હતો. જોકે ચારકોપ પોલીસે મહિલાનો વિનયભંગ કરવા બદલ ટેલરની પણ ધરપકડ કરી છે.

ઘટનાના આધારે ચારકોપ વિસ્તારમાં આવેલા ન્યુ લિન્ક રોડ પર ઓમસાઈ બિલ્ડિંગમાં રહેતા રામકૃષ્ણ રામ પાસે થોડા વખત પહેલાં એક મહિલા બ્લાઉઝ સીવડાવવા માટે આવી હતી ત્યારે ટેલરનો ધંધો ધરાવતા રામકૃષ્ણ રામે બાવીસ વર્ષીય યુવતીનો  વિનયભંગ કર્યો હતો. મહિલાએ આ વાત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વૉર્ડ ૨૧ના શાખાપ્રમુખ રાજેન્દ્ર સાવંતને જણાવી હતી. રાજેન્દ્ર સાવંત અને તે વિસ્તારના સમાજસેવક તરીકે ઓળખાતા કેવિન ડેલીમાએ ટેલરને આ અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો તું અમને પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તારા વિરુદ્ધ અમે વિનયભંગની ફરિયાદ નોંધાવીશું.

આ પણ વાંચો : સિવરેજની લાઇન હવે મશીન પાસે સાફ કરાવશે બીએમસી

ચારકોપ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિઠ્ઠલ શિંદે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે મહિલાની ફરિયાદ લેતા વિનયભંગના આરોપમાં ટેલરની ધરપકડ કરી છે. સાથે ટેલરની ફરિયાદ સામે શાખાપ્રમુખ રાજેન્દ્ર અને કેવિનની ખંડણીના કેસમાં ધરપકડ કરી છે.

maharashtra navnirman sena charkop mumbai news Crime News mumbai crime news