મુંબઈ : અપહરણનો કેસ મહારાષ્ટ્ર અને બિહાર પોલીસે મળીને ઉકેલ્યો

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Agency

મુંબઈ : અપહરણનો કેસ મહારાષ્ટ્ર અને બિહાર પોલીસે મળીને ઉકેલ્યો

પ્રતીકાત્મક તસવીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સામસામે આવી ગયેલી મહારાષ્ટ્ર અને બિહારની પોલીસે સગીર બાળકના અપહરણનો કેસ સાથે મળીને ઉકેલી મુંબઈમાંથી તેના આરોપીની ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

સાત વર્ષના બાળકનું ૧૪ ઑક્ટોબરે બિહારના ચંપારણ જિલ્લામાં ગાંઠા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાંથી અપહરણ કરાયું હોવાનું જણાવતાં મુંબઈ પોલીસના અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ૧૯ ઑક્ટોબરે બાળકના પરિવારને ૨૦ લાખ રૂપિયાની ખંડણીનો ફોન આવ્યો હતો, જે આપવામાં ન આવે તો બાળકને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

કેસમાં આવેલા ફોનની તપાસ કરાતાં એ મુંબઈના કાંદિવલી વિસ્તારમાંથી આવ્યો હોવાની જાણ થતાં બિહાર પોલીસે મદદ માટે મુંબઈ પોલીસનો સંપર્ક કરી એની સહાયથી મંગળવારે કાંદિવલીમાંથી આરોપી રિયાસુદ્દીન અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીના ફોનની વિગતો પરથી બિહાર પોલીસે તેના સતત સંપર્કમાં રહેનારા ૩૫ વર્ષના ખાન મોહમ્મદ અન્સારી, ૨૨ વર્ષના અલાઉદ્દીન અન્સારી અને ૩૫ વર્ષના મુસ્લિમ અન્સારીની ધરપકડ કરી હતી.

આરોપીએ જણાવ્યા મુજબ અપહરણ કરાયેલા બાળકને ઉત્તર પ્રદેશના ખુશીનગર જિલ્લાના પદ્રોણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જંગલમાંથી બચાવાયો હતો. દેવાના બોજ હેઠળ રહેલા ખાન મોહમ્મદ અન્સારીએ ખંડણીની રકમ મેળવવા માટે અપહરણનું કાવતરું ઘડ્યું હતું. તમામ આરોપીઓ બાળકના પરિવારના સભ્યોને સારી રીતે ઓળખતા હતા.

મુંબઈથી ધરપકડ કરાયેલા આરોપી રિયાસુદ્દીન અન્સારીને બુધવારે બિહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch maharashtra bihar