મુંબઈ: બહાદુર મહિલા પ્રવાસીએ મોબાઇલ ચોર ગૅન્ગ પકડાવી

01 March, 2020 10:54 AM IST  |  Mumbai

મુંબઈ: બહાદુર મહિલા પ્રવાસીએ મોબાઇલ ચોર ગૅન્ગ પકડાવી

આરોપીઓ સાથે બોરીવલી રેલવે પોલીસની ટીમ.

ટ્રેનના પ્રવાસીઓના હાથમાંથી મોબાઇલ આંચકવાના બનાવો સતત વધી રહ્યા છે. મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે આવી જ એક ઘટના બની હતી. એક ચોરે ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા પ્રવાસીના હાથમાંથી મોબાઇલ આંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ચોરનો હાથ પકડી રાખ્યો હતો, પરંતુ ચોરે ટ્રેનમાંથી કૂદકો મારતાં મહિલા પણ તેની પાછળ ચાલતી ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. તેના હાથ-પગ અને માથામાં ઈજા પહોંચી હતી. બાદમાં બહાદુર મહિલાએ બોરીવલી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોર અને તેના બે સાથીની ધરપકડ કરીને તેમની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ જપ્ત કર્યા હતા.

બોરીવલી રેલવે પોલીસના જણાવ્યા મુજબ બોરીવલી સ્ટેશન પાસે વાપી પેસેન્જરમાં ગયા અઠવાડિયે આ ઘટના બની હતી. પીડિત મહિલા પાલઘરથી પોતાના ઘરે પાછી આવી રહી હતી. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે મહિલાએ કહ્યું હતું કે ‘હું કાયમ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરું છું, પણ એ દિવસે ૬.૫૦ વાગ્યે પાલઘર સ્ટેશને વાપી પેસેન્જર આવી ત્યારે મને મોડું થતું હોવાથી હું એમાં ચડી હતી. ટ્રેનમાં ખૂબ ગિરદી હતી. જેમતેમ કરીને જનરલ ડબ્બામાં જગ્યા મેળવી હતી. રાત્રે ૮.૧૧ વાગ્યે ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશને પહોંચી હતી.’

મહિલાએ ઉમેર્યું હતું કે ‘૧૦ મિનિટ ટ્રેન ઊભી રહ્યા બાદ આગળ વધી હતી ત્યારે હું મમ્મીને ફોન જોડતી હતી. નેટવર્ક ઓછું આવતું હોવાથી હું દરવાજા પાસે ઊભી હતી. આ સમયે ટ્રેનમાં બેસેલા એક યુવકે મારા હાથમાંથી મોબાઇલ આંચક્યો હતો. મેં તેનો હાથ પકડતાં તે ભાગી નહોતો શક્યો, પણ બાદમાં તેણે ચાલતી ટ્રેને કૂદકો મારતાં હું પણ તેની સાથે ટ્રેનની બહાર ફંગોળાઈને ટ્રૅક પર પડી હતી. હું તેની સાથે ખાસ્સા અંતર સુધી ઢસડાઈ હતી. બાદમાં મારો હાથ છોડાવીને તે ભાગી ગયો હતો. મને માથા અને ખભામાં ઈજા પહોંચી હતી. મદદ માટે મેં બૂમો મારતાં રેલવે ટ્રૅક નજીકના લોકો મદદે આવ્યા હતા. તેમણે પાણી પીવડાવવાની સાથે જખમ પર લગાવવા કૉટન આપ્યું હતું. બાદમાં બોરીવલી રેલવે પોલીસમાં જતાં પોલીસે હૉસ્પિટલમાં મોકલી હતી. એ સમયે મારી તબિયત સારી ન હોવાથી મેં ફરિયાદ નહોતી કરી. બાદમાં મેં ફરિયાદ નોંધાવીને આરોપીનું વર્ણન પોલીસને આપ્યું હતું.’

આ પણ વાંચો : ભારે વિરોધ છતાં 32 જેટલી દુકાનોને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા તોડી પડાઈ

બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભાસ્કર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજને આધારે અમે વાસીમ શેખ નામના આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ પરથી ચોરીનો મોબાઇલ ખરીદવાના આરોપસર રાહુલ કહાર અને મોબાઇલ આંચકવાના આરોપસર સલમાન અહેમદ અને દીપક ગુપ્તાની અમે ધરપકડ કરીને તેમની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ જપ્ત કર્યા હતા. બહાદુર મહિલા પ્રવાસીએ નોંધાવેલી ફરિયાદને પગલે અમને આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.’

mumbai mumbai news borivali mumbai police Crime News mumbai crime news