કોરોનાનો ખોટો નેગેટિવ રિપોર્ટ બનાવવાના આરોપસર લૅબના ટેક્નિશ્યનની થઈ ધરપકડ

16 April, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો પાસેથી રિપોર્ટદીઠ ૧૦૦૦ રૂપિયા લઈને કોઈ પણ જાતની ટેસ્ટ વિના મોબાઇલ પર મોકલી આપતો

આરોપી કૃષ્ણા સરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે.

મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસના કાશીમીરા ક્રાઇમ બ્રાન્ચ યુનિટે એક જાણીતી પ્રાઇવેટ લૅબના ટેક્નિશ્યનની બોગસ કોવિડ રિપોર્ટ ૧૦૦૦ રૂપિયામાં તૈયાર કરીને મોકલવાના આરોપસર બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૬ લોકોના ખોટા રિપોર્ટ મળી આવ્યા હતા. આરોપીએ અસંખ્ય લોકોને આવા રિપોર્ટ આપીને અનેક જીવન જોખમમાં મૂક્યા હોવાની શક્યતા છે.

કાશીમીરા ક્રાઇમ યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર અવિરાજ કુરાડેને સામાજિક કાર્યકર ડૉ. બીનુ વર્ગીસે માહિતી આપી હતી કે મીરા રોડમાં રેલવે-સ્ટેશન પાસે આવેલી એસઆરએલ લૅબનો એક ટેક્નિશ્યન કોઈ પણ જાતની ટેસ્ટ વિના કોવિડનો બોગસ રિપોર્ટ બનાવે છે. પોલીસે ખાતરી કરવા માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કોવિડના પેશન્ટ ઉપરાંત છ લોકોનો રિપોર્ટ મેળવવા માટે લૅબના ટેક્નિશ્યનનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટના બદલામાં ૬૦૦૦ રૂપિયા સ્વીકારતી વખતે પોલીસે કૃષ્ણા સરોજ નામના કાંદિવલીમાં રહેતા ૨૬ વર્ષના ટેક્નિશ્યનને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસનું શું કહેવું છે?

કાશીમીરા ક્રાઇમ યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર અવિરાજ કુરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીમાં કામ કરવા આવતી કામવાળી બાઈથી માંડીને ડ્રાઇવર કે બહારગામ જવા માગતા લોકો માટે કોવિડનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. ઘણા લોકો ટેસ્ટ કરાવવા માગતા ન હોવાથી એનો ફાયદો કેટલીક લૅબના ટેક્નિશ્યનો ઉઠાવી રહ્યા હોવાનું આ કેસ પરથી જણાઈ આવે છે. અમે કૃષ્ણા સરોજની બનાવટી કોવિડ રિપોર્ટ બનાવવાના આરોપસર ધરપકડ કરી છે. તેની પાસેથી કોઈ પણ પ્રકારની ટેસ્ટ કર્યા વિના તૈયાર કરાયેલા ૬ રિપોર્ટ મળી આવ્યા હતા, જે અમે જપ્ત કર્યા છે. તેના એક સહયોગીની પણ અમે ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે.’

અવિરાજ કુરાડે, કાશીમીરા ક્રાઇમ યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર

mumbai mumbai news Crime News mumbai crime news mira road bhayander coronavirus covid19