23 January, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી ચોંકાવનારી ઘટના (Mumbai Crime) પ્રકાશમાં આવી છે. અહીં એક પોલીસ ઇન્સ્પેકટરના છોકરાને કિડનૅપ કરવાની કોશિશ કરાઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટના બુધવારે રાત્રે વરલીમાં બની હતી. છોકરાની માતાની સજાગતાને લીધે બાળકનું અપહરણ થતાં થતાં રહી ગયું. બાળકને કિડનૅપ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરાઇ છે.
બુધવારે સાંજે વરલી પોલીસ (Mumbai Crime)કેમ્પના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરના પાંચ વર્ષના પુત્રનું કિડનૅપ કરવાનો પ્રયાસ કરવા બદલ સાકીનાકાના ૫૫ વર્ષીય એક શખ્સની ધરપકડ કરવામાં કરી લેવાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર કોલાબા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર એક અધિકારી કે જેઓ તેમના નવ અને પાંચ વર્ષના બે પુત્રો સાથે વર્લી પોલીસ કેમ્પમાં રહે છે. બુધવારે સાંજે તેમનો નાનો દીકરો તેમના મકાન પાસે રમી રહ્યો હતો. તે તેની ફ્રેન્ડ સાથે ચોકલેટ ખરીદવા નજીકની દુકાન પર ગયો હતો. જ્યારે આ બંને બાળકો ચોકલેટ લઈને પાછા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે લાગ જોઈને આરોપીએ તેમને પકડીને રોક્યા હતા. બળજબરીથી તેણે પોલીસ ઇન્સ્પેકટરના પાંચ વર્ષના છોકરાને વર્લી સી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેની સાથે જે સાત વર્ષની છો કરી હતી તે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી અને તરત તેણે ઘરે જઈને તેની માતાને વાત કરી હતી.
Mumbai Crime: તાબડતોબ મહિલા આરોપી તરફ દોડી ગઈ હતી. બાળકની માતા તરત જ ત્યાં પહોંચી અને પેલા અજાણ્યા શખ્સને પોતાના બાળકને બીચ પર લઈ જવાનો પ્રયાસ કરતા જોયો કે તરત બૂમાબૂમ કરી મૂકી હતી. તેની બૂમો સાંભળીને આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. આમ તેણે સતર્કતા દાખવીને પોતાના પુત્રને બચાવી લીધો હતો. ત્યારબાદ તેણે તેના પતિને જાણ કરી હતી. આ દંપતીએ વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનેગાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭ (અપહરણ) અને ૬૨ (ગુના કરવાનો પ્રયાસ કરવા બદલ સજા) હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે આરોપી (Mumbai Crime) સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે તે શા માટે બાળકનું કિડનૅપ કરવા માગતો હતો અને તે તેને ક્યાં લઈ જઈ રહ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે જણાવ્યું હતું કે માતા અને અન્ય લોકોની સતર્કતાને કારણે બાળક બચી ગયું છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.