જિતેન્દ્ર આવ્હાડના ઘરે એન્જિનિયરને ફટકારનાર ત્રણ કૉન્સ્ટેબલની અરેસ્ટ

07 October, 2020 10:56 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જિતેન્દ્ર આવ્હાડના ઘરે એન્જિનિયરને ફટકારનાર ત્રણ કૉન્સ્ટેબલની અરેસ્ટ

જિતેન્દ્ર આવ્હાડ

રાજ્યના કૅબિનેટ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડના બંગલા પર સિક્યૉરિટી ગાર્ડ તરીકે તહેનાત ત્રણ પોલીસ-કૉન્સ્ટેબલની એપ્રિલ મહિનામાં સિવિલ એન્જિનિયર અનંત કરમુસે પર હુમલામાં સામેલ હોવા બદલ સોમવારે વર્તકનગર પોલીસે ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી કૅમરાના ફુટેજમાં તેઓ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરેલા આરોપીઓ થાણે સ્થિત સિવિલ એન્જિનિયર અનંત કરમુસેના ઘરે ગયા હતા અને તેને કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પરની પોસ્ટ માટે પોલીસ-સ્ટેશન આવવું પડશે. જોકે પોલીસ-સ્ટેશનને બદલે તેઓ તેને જિતેન્દ્ર આવ્હાડના બંગલા પર લઈ ગયા હતા અને ત્યાં તેની મારપીટ કરી હતી. એન્જિનિયર અનંત કરમુસેએ આવ્હાડની મૉર્ફ કરેલી તસવીર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

વર્તકનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એસ. બી. પાટીલે જણાવ્યું હતું કે ‘અમે આ ઘટનાના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા, જેમાં આ ત્રણ પોલીસ કૉન્સ્ટેબલ સાગર મોરે, સુરેશ જગન્નાથ અને વૈભવ કદમ હુમલો કરનારા લોકો સાથે હોવાનું સામે આવ્યું હતું તેથી અમે તેમની ધરપકડ કરી છે.’ ધરપકડ કરાયેલા ત્રણ કૉન્સ્ટેબલમાંથી એક થાણે પોલીસ સાથે અને બે મુંબઈ પોલીસ સાથે જોડાયેલા હતા. તે ત્રણેયને એક વર્ષથી અંગત સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

mumbai mumbai news maharashtra Crime News mumbai police