બાખડનારાને છોડાવવામાં એમાંના એકે કૉન્સ્ટેબલના માથામાં મારી દીધી ઇંટ

13 May, 2021 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર પોલીસ સાથે જોડાયેલા ૫૨ વર્ષના કૉન્સ્ટેબલ રામા કાંબળે ગઈ કાલે રાતના પોતાની ફરજ બજાવતી વખતે અસલ્ફા વિસ્તારમાં એક કૉલ આવવાથી ગયા હતા. ત્યાં બે યુવકો મારામારી કરી રહ્યા. એમાંના એક યુવકે કાંબળેના માથા પર ઈંટ મારી હતી.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ઘાટકોપર પોલીસ સાથે જોડાયેલા ૫૨ વર્ષના કૉન્સ્ટેબલ રામા કાંબળે ગઈ કાલે રાતના પોતાની ફરજ બજાવતી વખતે અસલ્ફા વિસ્તારમાં એક કૉલ આવવાથી (ત્યાંની સ્થાનિક ફરિયાદ પર) ત્યાં ગયા હતા. ત્યાં બે યુવકો મારામારી કરી રહ્યા. એમાંના એક યુવકે કાંબળેના માથા પર ઈંટ મારી હતી. એથી કાંબળેના માથામાં ગંભીર ઈજા થવાથી સાત ટાંકા આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ‘રામા કાંબળે નાઇટ પૅટ્રોલિંગ પર હતા. રાતના ૧૧.૩૦ વાગ્યે અસલ્ફાની શિંદેવાડીમાં મોટી મારામારી થતી હોવાની ફરિયાદ તેમને મળી હતી. તેઓ પોતાની ફરજ પર ત્યાં પહોંચ્યા હતા. ત્યાં બે લોકોને અલગ કરવા જતાં એમાંના એક યુવક ૨૩ વર્ષના ઓમકાર કંબોલીએ કાંબળેના માથામાં ઈંટ મારી હતી. ગંભીર જખમી થયેલા કાંબળેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જતાં માથામાં સાત ટાંકા આવ્યા હતા. હાલમાં તેમની પરિસ્થિતિ સુધારા પર છે.’

ઘાટકોપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત લાડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસને ગંભીરતાથી લઈને કાંબળેની ફરિયાદ પર અમે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

કૉન્સ્ટેબલ રામા કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારામારી થતી હતી એટલે તેમને છોડાવવા હું ગયો હતો. એમાં આરોપીએ મારા માથામાં ઈંટ મારી હતી. જોકે હાલમાં મારી તબિયત સુધારા પર છે.’

mumbai mumbai news ghatkopar Crime News mumbai crime news