23 April, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Crime: સાઉથ બોમ્બેના એક બિઝનેસમેનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને એક મહિલા ક્રિકેટરે તેની પાસેથી તબ્બલ ૬૩ લાખ પડાવ્યા હોવાની સનસનાટીભરી ખબર સામે આવી રહી છે. સેક્સટૉર્શન અને ગેરવસૂલીને લગતા આ કેસમાં જે મહિલા ક્રિકેટરની વાત કરી રહ્યા છીએ તેનું નામ ફારખાંદા ખાન છે. તમને જણાવી દઈએ કે ફારખાંદા ખાન જમ્મુ-કાશ્મીરની નેશનલ લેવલ પર રમનારી પ્લેયર છે. ટી-૨૦માં પણ તેણે ભાગ લીધો હતો.
મુંબઈ પોલીસ દ્વારા ફારખાંદા ખાનની સાથે તેના ભાઈ બાઝીઝ અઝીઝ ખાનની અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફારખાંદા અને તેના ભાઈની ધરપકડ દિલ્હીની એક હોટલમાંથી અને ઇમ્તિયાઝ વાનીને શ્રીનગરથી દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ફારખાંદા ડીએલટી, અંકુર વિહાર, દિલ્હી એનસીઆરની રહેવાસી છે જ્યારે ઇમ્તિયાઝ વાની જમ્મુ અને કાશ્મીરના ખાલાપુરમાં રહે છે. આરોપી બાઝિલ ખાન જમ્મુ અને કાશ્મીરના નૂરખાવ ગામનો રહેવાસી છે.
Mumbai Crime: સાઉથ બોમ્બેના કોલાબાના રહેવાસી અને ૨૮ વર્ષીય ઉદ્યોગપતિ વર્ષ ૨૦૨૪માં થોડા સમય માટે વેસ્ટર્ન સબર્બ્સમાં રહેવા માટે આવ્યા હતા. આ બિઝનેસમેન અને ફારખાંદા ખાન એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. સમય જતાં આ બંને વચ્ચે નિકટતા વધી હતી. વર્ષ ૨૦૨૪માં જ આ મહિલા ક્રિકેટરે બિઝનેસમેન પાસેથી પૈસાની માંગણી કરી હતી પરંતુ ઉદ્યોગપતિએ તે રકમ આપવાની મનાઈ કરી ત્યારે ફારખાંદા ખાને ધાકધમકી કરી હતી. બિઝનેસમેન પાસેથી પૈસા પડાવવા માટે ફારખાંદાએ તે બંનેની મોબાઇલ ચેટ લીક કરવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ જ બાબતથી ડરીને બિઝનેસમેને શરૂઆતમાં 23 લાખ રૂપિયા અને ત્યારપછી 40 લાખ રૂપિયા ફારખાંદાને આપ્યા હતા. 30 એપ્રિલ, ૨૦૨૪ અને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ની વચ્ચે કુલ ૩૨ બઁક ટ્રાન્ઝેક્શન થયા હતા.
એપ્રિલ 2024થી ફારખાંદાએ બિઝનેસમેનને લૂંટવાનો શરૂ કર્યો હતો. તપાસ (Mumbai Crime)માં એવું પણ સામે આવ્યું છે કે ફારખાંદાએ વેપારી પાસેથી જે પૈસા ઉઘરાવ્યા હતા તેમાંથી કેટલાક પૈસા ઇમ્તિયાઝ વાનીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. અમૂક રકમ તેના પિતા અને ભાઈના બેંક એકાઉન્ટમાં સુદ્ધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ફારખાંદાનો ભાઈ બાઝીલ પણ આ વેપારીને ધમકાવતો હતો. જેલભેગો કરી નાખવાની ધમકી આપીને તેણે પણ આ વેપારી પાસેથી પૈસા પડાવ્યા હતા.
મુંબઈ પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ (Mumbai Crime) ફારખાંદા, તેના ભાઈ અને અન્ય જે વ્યક્તિ આમાં સંડોવાયેલી છે તે તમામની પૂછપરછ કરી રહી છે. વધુ તપાસ બાદ જ આ કેસનાં નવાં પાસાં સામે આવશે.