25 February, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરીને ‘બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી ચૌબીસ ઘંટે મેં માર દેંગે’ એવી ધમકી સાથે બોરીવલી-વેસ્ટના એલ. ટી. રોડ પર દાગીનાની દુકાન ધરાવતા એક ગુજરાતી જ્વેલર પાસેથી ૩૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો ગંભીર બનાવ બન્યો છે. આ મામલે જ્વેલરના મૅનેજરની ફરિયાદના આધારે બોરીવલી પોલીસે ગુનો નોંધ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ૧૮ ફેબ્રુઆરીએ સવારે દુકાનના સત્તાવાર મોબાઇલ-નંબર પર આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં ખંડણીની માગણી સાથે પૈસા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ચેતવણી આપવામાં આવી હતી.
બોરીવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મધુસૂદન નાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંદેશમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી આપવામાં આવી હતી અને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯ ફેબ્રુઆરીએ સવારે ૧૧.૧૮ વાગ્યે ફરી એ જ આંતરરાષ્ટ્રીય નંબર પરથી વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો અને ફોન ઉપાડતાં અજાણી વ્યક્તિએ ફરી ખંડણીની માગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વાતચીત રેકૉર્ડ કરવી હોય તો કરવાની પણ ખુલ્લી ચૅલેન્જ આપી હતી. ત્યાર બાદ ૨૦ ફેબ્રુઆરીએ વહેલી સવારે ફરી પાછો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં પૈસા ન આપ્યા તો ગોળી મારવાની ચેતવણી આપવામાં આવી હતી. શરૂઆતમાં દુકાન તરફથી ૧ લાખ રૂપિયા આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો પરંતુ સામેની વ્યક્તિએ ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી અને ચર્ચા દરમ્યાન ૪ લાખ રૂપિયામાં માંડવલી થઈ હતી અને ગૂગલપે મારફત ૧ લાખ રૂપિયા મોકલવાની સૂચના આપવામાં આવી હતી. અંતે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ્વેલરે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય નંબર તથા ડિજિટલ ટ્રાન્ઝૅક્શનની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.’
મધુસૂદન નાઈકે ઉમેર્યું હતું કે ‘તાજેતરમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વેપારીઓને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી આપીને પૈસાની માગણી કરવામાં આવી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કિસ્સામાં તમારે કોઈને પૈસા ન આપતાં તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.’