શોરૂમની બહાર ભિખારી બનીને રેકી કર્યા બાદ ચોરી કરતી ગૅન્ગ પકડાઈ

17 June, 2021 10:27 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

નાલાસોપારામાં પેટ્રોલ-પમ્પમાં લૂંટ કરવા જતી વખતે ૧૦ આરોપીને પોલીસે ઝડપ્યા : લૂંટ અને ચોરીનો માલ તેઓ નેપાળમાં વેચતા હતા

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલની મોટી દુકાન કે શોરૂમ અને પેટ્રોલ-પમ્પમાં ચોરી અને લૂંટ કરતી ૧૦ આરોપીની ગૅન્ગને મીરા-ભાઈંદર, વસઈ-વિરારની પોલીસે નાલાસોપારામાંથી મંગળવારે ઝડપી હતી. આરોપીઓ દુકાનોની બહાર ભિખારી બનીને માહિતી મેળવતા હતા અને બાદમાં મોકો મળતાં ચોરી કે લૂંટને અંજામ આપતા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.   

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૩ તથા નાલાસોપારાના તુળીંજ પોલીસ સ્ટેશનના અધિકારીને માહિતી મળી હતી કે અહીંના સંતોષ ભુવન પરિસરમાં આવેલા એક પેટ્રોલ-પમ્પ પર કેટલાક લૂંટારા ત્રાટકવાના છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે અહીં છટકું ગોઠવ્યું હતું. માહિતી મુજબ મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ-પમ્પ નજીક શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળતાં તેમને તાબામાં લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મરચાંનો પાઉડર, શટર તોડવાનો સામાન અને દાતરડું જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસને જોઈને એક આરોપી ભાગી ગયો હતો. 

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડૉ. મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પેટ્રોલ-પમ્પ પાસે લૂંટના ઇરાદે પહોંચેલા આરોપીઓ દિવસ દરમ્યાન મોબાઇલની દુકાન કે શોરૂમની બહાર ભિખારીના વેશમાં બેસીને માહિતી મેળવતા હતા અને રાત્રે દુકાનનું શટર ખોલીને ચોરી કરતા. કોઈ પ્રતિકાર કરે તો તેના પર જીવલેણ હુમલો કરવાની તૈયારી સાથે તેઓ ત્રાટકતા હતા. તપાસમાં આ ગૅન્ગ સામે મુંબઈ, થાણે, પુણે સહિત દિલ્હી, હૈદરાબાદ અને કર્ણાટકમાં ચોરી અને લૂંટના મામલા હોવાનું જણાઈ આવ્યું છે. રાત્રે મોટા ભાગના પેટ્રોલ-પમ્પ પર ઓછો સ્ટાફ હોય છે એટલે એકસાથે ૮થી ૧૦ લોકો હથિયાર સાથે પહોંચીને લૂંટ ચલાવતા હતા.’

પોલીસે નઈમ હદીસ દેવાન, વિક્રમ પ્રસાદ, નઈમ મુન્ના દેવાન, સુહેબ હમદ, વિજયકુમાર મહતો, અસલમ સાંઈ, ધર્મેન્દ્ર સહાની, વિકેશકુમાર પાસવાન, રોહિતકુમાર પાસવાન અને ઓમનાથ સહાની લૂંટ અને ચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. 

mumbai mumbai news nalasopara Crime News mumbai crime news