કોરોનાના નવા કેસોમાં નોંધાયો ધરખમ ઘટાડો

11 January, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ૨૩.૦૩ ટકા જેટલો પૉઝિટિવિટી રેટ આવ્યો હતો

ફાઈલ તસવીર

મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૫૯,૨૪૨ ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૩,૬૪૮ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. એથી ગઈ કાલે ૨૩.૦૩ ટકા જેટલો પૉઝિટિવિટી રેટ આવ્યો હતો. ગઈ કાલના ૧૩,૬૪૮ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પૉઝિટિવ કેસનો આંકડો ૯,૨૮,૨૨૦ પર પહોંચી ગયો છે. જ્યારે ગઈ કાલે એ સામે રિકવરીના ૨૭,૨૧૪ કેસ નોંધાયા હતા. કોરાનામાંથી સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા પણ હવે ૮,૦૫,૩૩૩ પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરાનાને કારણે પાંચનાં મોત થયાં હતાં જેમાં ત્રણ પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થતો હતો. બધા જ દરદીઓ પહેલાંથી જ કોઈને કોઈ બીમારી ધરાવતા હતા. બધા જ મરનારની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ઘટીને ૩૭ દિવસ નોંધાયો હતો. સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ગઈ કાલે ૧૬૮ પર પહોંચી ગઈ હતી. ગઈ કાલે ૩૨,૦૭૯ હાઈ રિસ્ક પેશન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૫૪૨ને કોરોના કૅર સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.
દરમિયાન ગઈ કાલે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્યમાં ગઈ કાલે કુલ ૧.૭3 લાખ ઍક્ટિવ દરદીઓ હતા જેમાંથી ૮૫ ટકા એસિમ્પ્ટોમૅટિક હતા અને હોમ ક્વૉરન્ટીનમાં જ સારવાર લઈ રહ્યા હતા. માત્ર ૧૫ ટકા દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે. હાલ હોમ આઇસોલેશનનો પિરિયડ સાત જ દિવસનો રખાયો છે. 

 

coronavirus covid19 mumbai mumbai news