મુંબઈમાં સતત બીજા દિવસે કેસ ઘટતાં રાહત

12 January, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્લમ ફરી કોરોનામુક્ત, તો સોસાયટીઓમાંય જોખમ ઘટ્યું: પૉઝિટિવિટી પાંચ ટકા ઘટી

ફાઇલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૬૨,૦૯૭ લોકોની કોવિડ-ટેસ્ટ કરવા સામે ૧૮.૭૫ ટકા સાથે કોરોનાના ૧૧,૬૪૭ કેસ નોંધાયા હતા. જોકે આમાંથી ૮૩ ટકા એટલે કે ૯૬૬૭ મામલા એસિમ્પ્ટોમૅટિક હતા. ૭૬ દરદીઓને ઑક્સિજન બેડની જરૂર પડવાની સાથે કુલ ૮૫૧ દરદીઓને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવા પડ્યા હતા. જોકે નવા કેસની સામે ગઈ કાલે વધુ દરદીઓ એટલે કે ૧૪,૯૮૦ દરદીઓ કોરોનામુક્ત થવાથી શહેરમાં હૉસ્પિટલમાં ઍડ્‌મિટ દરદીઓની સંખ્યા ઘટીને ૭૨૮૩ થઈ છે, જે કુલ ૩૬,૫૭૩ બેડ સામે ૧૯.૯ ટકા છે.
નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે વધુ દરદીઓ રિકવર થયા છે આથી અત્યાર સુધીમાં ૮,૨૦,૩૧૩ દરદીઓ ઠીક થયા છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૦૦,૫૨૩ થઈ હતી. ગઈ કાલે ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેનો એક દરદી તો ૧ સિનિયર સિ‌ટિઝન દરદીનાં મૃત્યુ થયાં હોવાથી કુલ મૃત્યુ આંક ૧૬,૪૧૪ થયો છે. 
કેસ ઘટવાની સાથે શહેરની રિકવરીની ટકાવારી વધીને ૮૭ ટકા થઈ છે, જ્યારે ૩૬ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા શૂન્ય થઈ હતી, જ્યારે સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા ઘટીને ૬૩ થઈ છે. ગઈ કાલે ૪૫,૬૫૦ હાઈ રિસ્ક લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી, જ્યારે ૫૪૨ હાઈ રિસ્ક દરદીઓ સારવાર હેઠળ હતા. 

coronavirus covid19 mumbai mumbai news