ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ ફ્લાયઓવરનો ખર્ચ વધીને 714 કરોડ થયો

12 February, 2020 07:46 AM IST  |  Mumbai

ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ ફ્લાયઓવરનો ખર્ચ વધીને 714 કરોડ થયો

ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ ફ્લાયઓવર

મુંબઈગરાઓ ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડની આતુરતાથી રાહ જુએ છે ત્યારે એના બાંધકામનો ખર્ચ અને સમયગાળામાં ફરી વૃદ્ધિ કરવામાં આવી છે. આ ફ્લાયઓવર બ્રિજના મૂળ ખર્ચનો અંદાજ ૫૭૬ કરોડ રૂપિયા હતો અને એ કામ પૂરું કરવાની મુદત જુલાઈ ૨૦૧૯ સુધીની હતી. હવે વહીવટી તંત્રે બ્રિજની લંબાઈ વધારવામાં વધુ સમયની વિચારણા સાથે ખર્ચનો અંદાજ ૭૧૪ કરોડ રૂપિયાનો કર્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ આ ૨.૧ કિલોમીટર લાંબા, ૨૪.૨ મીટર પહોળા અને ૧૨ મીટર ઊંચા ફ્લાયઓવર બ્રિજનો ખર્ચ અને મુદતમાં સુધારાની મંજૂરી માગ્યાની પહેલી ઘટના નથી. મુંબઈ મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવર બ્રિજ બાંધવા માટે ડિસેમ્બર ૨૦૧૬માં ટેન્ડર્સ મંગાવ્યાં હતાં. ૩૧૩ કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ સાથે ત્રીસ મહિનામાં બાંધકામ પૂરું કરવાનો અંદાજ માંડવામાં આવ્યો હતો. એનો વર્ક ઑર્ડર આપીને ૨૦૧૯ની ૧ જુલાઈએ ખુલ્લો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ ‍વખતે ૩૧૩ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચમાં ૩૭ ટકા વૃદ્ધિ ઉપરાંત કરવેરા મળીને રકમ ૫૭૬ કરોડ રૂપિયા પર પહોંચી હતી. ત્યાર પછી ખર્ચના અંદાજમાં પહેલી વખત ૫૬ કરોડ રૂપિયા અને બીજી વખત ૮૨ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે એ યોજનાના ખર્ચનો સુધારિત અંદાજ ૭૧૪ કરોડ રૂપિયા છે. બ્રિજનું ૭૪ ટકા બાંધકામ પૂરું થયું છે.

મુંબઈ મહાનગરપાલિકા ૧૩૮ કરોડ રૂપિયાના ખર્ચે અંધેરીના ગોખલે બ્રિજને તોડીને એનું ફરીથી બાંધકામ કરશે. એ ફુટઓવર બ્રિજનો કેટલોક ભાગ વર્ષ ૨૦૧૮માં તૂટી પડ્યો હતો. સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ, હંસ ભુગ્રા રોડ પર બે જર્જરિત બ્રિજ ફરી બાંધવાનો ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ મુંબઈ મહાનગરપાલિકા ચૂકવશે.

ghatkopar mankhurd brihanmumbai municipal corporation mumbai news