મુંબઈમાં કોરોનાના ઓછા કેસ કાયમ રહેવાની સાથે થઈ ચારગણી રિકવરી

29 January, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે ચારગણા દરદીઓ રિકવર થવાની સાથે અત્યાર સુધીમાં ૧૦,૦૯,૩૭૪ દરદી ઠીક થયા છે

ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં કોરોનાની વૅક્સિન લઈ રહેલા ૧૫થી ૧૮ વર્ષની વચ્ચેના ટીનેજર્સ. (તસવીર : આશિષ રાજે)

શહેરમાં ગઈ કાલે ૨૭,૭૨૦ લોકોની કોવિડ-ટેસ્ટ કરવા સામે ૪.૭૩ ટકા સાથે કોરોનાના ૧,૩૧૨ કેસ નોંધાયા હતા. જોકે આમાંથી ૮૩ ટકા એટલે કે ૧,૦૮૯ મામલા એસિમ્પ્ટોમૅટિક હતા. ૪૧ દરદીને ઑક્સિજન બેડની જરૂર સાથે કુલ ૧૯૩ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. જોકે નવા કેસની સામે ગઈ કાલે ચારગણા એટલે કે ૪,૯૯૦ દરદી કોરોનામુક્ત થવાથી શહેરમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીની સંખ્યા ઘટીને ૨,૬૫૨ થઈ છે, જે કુલ ઉપલબ્ધ ૩૭,૫૭૫ બેડ સામે ૭ ટકા છે.
નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે ચારગણા દરદીઓ રિકવર થવાની સાથે અત્યાર સુધીમાં ૧૦,૦૯,૩૭૪ દરદી ઠીક થયા છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪,૩૪૪ થઈ હતી. ગઈ કાલે ૪૦થી ૬૦ વર્ષની ઉંમરની વચ્ચેનો એક દરદી તો નવ સિનિયર સિટિઝન દરદી સાથે કુલ ૧૦ દરદીનાં મૃત્યુ થયાં હોવાથી કુલ મૃત્યાંક ૧૬,૫૯૧ થયો છે.
કેસ ઘટવાની સાથે શહેરની રિકવરીની ટકાવારી વધીને ૯૭ ટકા થઈ છે, જ્યારે ૨૫૯ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા શૂન્ય થઈ હતી, જ્યારે સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા ઘટીને ૨૦ થઈ છે. ગઈ કાલે ૬,૯૪૯ હાઈ રિસ્ક લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું, જ્યારે ૫૪૨ હાઈ રિસ્ક દરદીઓ સારવાર હેઠળ હતા. 
ગઈ કાલે રાજ્યમાં ૧૦૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં જે ૬ ઑક્ટોબર પછીનાં સૌથી વધારે છે.

mumbai mumbai news coronavirus covid19