મુંબઈમાં પૉઝિટિવિટીની ટકાવારી વધી

24 June, 2021 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ત્રણ દિવસમાં નવા કેસ સ્લમને બદલે હાઉસિંગ સોસાયટીઓમાં આવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૭,૯૦૫ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૨.૨૭ ટકા પૉઝિટિવિટી સાથે ૮૬૩ કેસ નોંધાયા હતા. ગઈ કાલે નવા કેસની સામે ઓછા દરદી રિકવર થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં નવા કેસ સ્લમને બદલે હાઉસિંગ સોસાયટીઓમાં આવી રહ્યા છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. જોકે ગઈ કાલે ફરી એમાં વધારો થવાથી ૨૩ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાં બે દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરના, ૯ દરદી ૪૦થી ૬૦ વર્ષની વયના અને ૧૨ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૩૩૮ થયો છે. ગઈ કાલના ૭૧૧ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૨૩,૩૨૪ કેસમાંથી ૬,૯૧,૧૨૮ લોકો રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી રિકવરીની ટકાવારી ૯૫ ટકા રહી છે. શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો સહેજ વધીને ૧૪,૫૭૭ થયો હતો. કેસ ડબલિંગનો દર ૭૨૮ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા સહેજ વધીને ૧૨ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા પણ વધીને ૮૮ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૭૬૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૩ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19