અંબાણી પરિવારને ઉડાડી દેવાની ધમકી આપનાર બિહારથી ઝડપાયો

07 October, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી રાજેશ મિશ્રે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના લૅન્ડલાઇન નંબર પર બે વાર ફોન કર્યા હતા અને ધમકી આપતાં કહ્યું હતું કે તે હૉસ્પિટલ ઉડાવી દેશે

બિહારથી પકડાયેલો ૩૦ વર્ષના રાજેશ મિશ્ર

ગિરગામમાં આવેલી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ અને મુકેશ અંબાણીના પરિવારને ઉડાવી દેવાની ધમકી આપનાર ૩૦ વર્ષના રાજેશ મિશ્રને મુંબઈ પોલીસ ​બિહારના દરભંગાથી પકડીને લાવી છે. આરોપી રાજેશ મિશ્રે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના લૅન્ડલાઇન નંબર પર બે વાર ફોન કર્યા હતા અને ધમકી આપતાં કહ્યું હતું કે તે હૉસ્પિટલ ઉડાવી દેશે. એટલું જ નહીં, તેણે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અને તેમના બન્ને પુત્રો આકાશ અને અનંત અંબાણીને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. સાથે જ તેમના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. 

ઘટનાની જાણ મુંબઈ પોલીસને કરવામાં આવતાં તરત જ તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. ધમકીભર્યો એ કૉલ બિહારના દરભંગા બ્લૉકમાંથી કરવામાં આવ્યો હોવાની જાણ થતાં મુંબઈ પોલીસે બિહાર પોલીસની મદદ લઈને આરોપીને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેને મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને મુંબઈ લઈ આવી હતી. આરોપી રાજેશ હાલ બેકાર છે. તેણે શા કારણે આ ધમકી આપી એની તપાસ હાલ ચલાવાઈ રહી છે.  થોડા વખત પહેલાં જ ૧૫ ઑગસ્ટે એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના લૅન્ડલાઇન નંબર પર ધમકીભર્યા નવ ફોન આવ્યા હતા અને ધમકી આપનાર બિષ્ણુ વિદુશ ભૌમિક કહ્યું હતું કે તે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ખતમ કરી નાખશે. મુંબઈ પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. જોકે એ પછી એ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું હતું.     

mumbai mumbai news mukesh ambani reliance