બોરીવલીના એક્સરમાં 340 કરોડની BMCની પ્લૉટ-ડીલમાં કૌભાંડની બૂ આવી રહી છે

23 October, 2020 06:38 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

બોરીવલીના એક્સરમાં 340 કરોડની BMCની પ્લૉટ-ડીલમાં કૌભાંડની બૂ આવી રહી છે

પ્લોટ અંગે વિવાદ

બોરીવલી-વેસ્ટના એક્સરમાં આવેલા ૨૨,૦૦૦ સ્ક્વેર મીટરના પ્લૉટનો વિવાદ ફરી વકર્યો છે. એને માટેની બે વખતની પ્રપોઝલને રિજેક્ટ કર્યા બાદ હવે એ હસ્તગત કરવા બીએમસીએ ૨૩૦ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે અને એને વાપરવા યોગ્ય બનાવવા માટે કુલ ૩૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે એથી આ ડીલમાં કૌભાંડ આચરાયું હોવાની આશંકા થઈ રહી છે.

પાલિકા દ્વારા મૅટરનિટી હોમ માટે નક્કી કરાયેલા એક્સરમાં આવેલા એ પ્લૉટ પર હાલમાં ૧૬૦૦ ઝૂંપડાં છે. જો પાલિકાએ એ પ્લૉટ વાપરવો હોય તો એણે ઝૂંપડાવાસીઓને રહેઠાણ પૂરાં પાડવાં પડશે. હાલમાં એ પ્લૉટ હસ્તગત કરવા પ્રાઇવેટ પાર્ટીને ૨૩૦ કરોડ રૂપિયા અપાયા છે, પરંતુ એ પછી પણ પ્લૉટને સંપૂર્ણપણે હસ્તગત કરવા કુલ ૩૪૦ કરોડ રૂપિયા ખર્ચવા પડે એમ છે.

ઍક્ટિવિસ્ટ નીરજ ગુંડેએ પાલિકા જે રીતે નાણાં ખર્ચી રહી છે એની સામે નારાજગી દર્શાવતાં કહ્યું છે કે ‘મૂળમાં પ્લાન અને પ્રસ્તાવ મુંબઈગરાઓના લાભ માટે હોવો જોઈએ, પણ હાલનું ડેવલપમેન્ટ જોતાં એ નિર્ણય કેટલાક રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ડેવલપર્સને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું જણાય છે.’

નીરજ ગુંડેએ માગણી કરી છે કે પાલિકા આને માટે શ્વેતપત્ર બહાર પાડે. મુંબઈગરાને મુંબઈમાં કેટલા પ્લૉટ અને શા માટે અનામત છે એની માહિતી મેળવવાનો અધિકાર છે. વળી એ પ્લૉટ પાલિકાએ જણાવેલા હેતુ માટે વપરાઈ રહ્યો છે કે પછી એના પર ઝૂંપડપટ્ટી ઊભી કરી દેવાઈ છે.

આ પહેલાં મુલુંડમાં સંસર્ગજન્ય રોગ માટે કાયમી એવી ૫૦૦૦ બેડની હૉસ્પિટલ ઊભી કરવા બદલ ખાનગી માલિકીના પ્લૉટ માટે ૧૮૦૦ કરોડ રૂપિયા ચૂકવાતાં બીએમસીના અધકારીઓમાં અને રાજકારણીઓમાં ઊહાપોહ મચ્યો હતો, કારણ કે એ પ્લૉટ ઍક્વિઝિશન ઍક્ટ હેઠળ હસ્તગત કરાયો હતો, જેથી પ્લૉટ વેચનારને પ્લૉટ વેચવાથી જે નફો થાય એના પર કૅપિટલ ગેઇનનો ટૅક્સ ભરવો પડે નહીં.

આ ડીલ કરવામાં ખાસ કાળજી રખાઈ છે. હાલના તબક્કે એમાં કશુંક રંધાયું હોવાનું લાગી રહ્યું છે અને બહુ મોટું કૌભાંડ એમાં આચરવામાં આવ્યું હોવાની શક્યતા છે. બીએમસીની આંતરિક કમિટી દ્વારા એની તપાસમાં કશું જ બહાર આવ્યું નથી. એની તપાસ સીઆઇડી દ્વારા થવી જોઈએ. - રઈસ શેખ, સમાજવાદી પાર્ટીના એમએલએ

borivali brihanmumbai municipal corporation mumbai mumbai news sanjeev shivadekar