પરમબીર સિંહ સામેની ખંડણીની તપાસ 7 દિવસમાં પૂરી કરો : બુકી સોનુ જાલન

11 May, 2021 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલા સમયમાં એફઆઇઆર નહીં નોંધાય તો કોર્ટમાં જવાનું કહ્યું

ફાઈલ તસવીર

ક્રિકેટ બુકી સોનુ જાલને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પોતાની પાસેથી ૩.૪૫ કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો પત્ર મુખ્ય પ્રધાન અને રાજ્યના પોલીસવડાને લખ્યા બાદ ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા આ બાબતની તપાસ ચાલી રહી છે. સાત દિવસમાં આ તપાસ પૂરી નહીં કરાય તો હાઈ કોર્ટમાં ધા નાખવાની ચીમકી બુકીએ ગઈ કાલે ઉચ્ચારી હતી.

ક્રિકેટ બુકી સોનુ જાલનની ઍડ્વોકેટ આભા સિંહે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરમબીર સિંહ સહિત કેટલાક પોલીસ અધિકારીઓએ પોતાની પાસેથી ખંડણી માગી હોવાના કેટલાક પુરાવા સોનુ જાલને સામે ચાલીને રજૂ કર્યા છે. એના આધારે ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા ત્રણ દિવસથી ડિસ્ક્રિટ એટલે કે છૂપી તપાસ હાથ ધરાઈ છે. પુરાવાના આધારે સાત દિવસમાં આરોપી સામે એફઆઇઆર નોંધવાનો રહે છે. ચાર દિવસ બાદ જો આમ નહીં થાય તો એસીબી સ્પેશ્યલ કોર્ટ અથવા બૉમ્બે હાઈ કોર્ટમાં તપાસ કરતી અરજી દાખલ કરાશે.’

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં ક્રિકેટ બુકી સોનુ જાલને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને કેટલાક પોલીસ અધિકારીઓએ પોતાની પાસેથી ૨૦૧૮માં ૩.૪૫ કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનો પત્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પોલીસ વડાને લખ્યો હતો. ત્યાર બાદ એસીબી દ્વારા છૂપી તપાસ હાથ ધરાઈ છે અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શુક્રવારે બુકી સોનુ જાલનનું નિવેદન નોંધ્યું હતું.

mumbai mumbai news mumbai police anti-corruption bureau maharashtra