મુંબઈ: કોરોનાની બોગસ આયુર્વેદિક દવા વેચનાર સામે ફરિયાદ

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: કોરોનાની બોગસ આયુર્વેદિક દવા વેચનાર સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટમાં આરઆરટી રોડ પર આવેલી શીતલ આયુર્વેદિક દુકાનમાં કોરોના વાઇરસની દવા ઉપલબ્ધ છે એવાં પૅમ્ફલેટ એ દુકાને મુલુંડ માર્કેટમાં વહેંચ્યાં હતાં. પૅમ્ફલેટ વહેંચાતાં હોવાની જાણ થતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ રેઇડ પાડી હતી અને આયુર્વેદની દુકાન પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે દુકાનમાલિકનું કહેવું છે કે કોરોના વાઇરસ ન થાય એ માટેની દવા અમે વેચીએ છીએ.

શીતલ આયુર્વેદિક દુકાનમાં સોમવારે સાંજે પોલીસ અને ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ સંયુક્ત રીતે રેઇડ પાડી હતી. એફડીએના અધિકારીઓને માહિતી મળી હતી કે આયુર્વેદની દુકાનમાં કોરોના વાઇરસની દવા મળે છે. દુકાનના પૅમ્ફલેટમાં છાપ્યું હતું, ‘કોરોના વાઇરસ સે બચને કી રોગ પ્રતિરોધક દવાઈ ઉપલબ્ધ હૈ.’ જોકે જ્યારે એફડીએના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા ત્યારે ૧૨૦ રૂપિયાની સુદર્શન ઘનવટી બૉટલ આપી હતી. આ દવા કોરોના માટે કોઈ પ્રકારનું કામ નથી કરતી. દુકાનમાં આવતા લોકોને ફસાવવા માટે આવાં પૅમ્ફલેટ અપાય છે એ તપાસમાં જાણવા મળ્યું હતું. ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારી શરદચંદ્ર નાંદેકરે આપેલી માહિતી અનુસાર મુલુંડ પોલીસને ફરિયાદ મળી હતી કે શીતલ આયુર્વેદિક નામની દુકાને મુલુંડ માર્કેટ સાથે અનેક જગ્યાએ કોરોનાની દવા મળશે એવાં પૅમ્ફલેટ લોકોને આપ્યાં હતાં. જોકે હજી સુધી કોરોનાની દવા મુંબઈમાં આવી નથી એને ધ્યાનમાં લેતાં મુલુંડ પોલીસ અને એફડીએ વિભાગે મળીને શીતલ આયુર્વેદિકમાં રેઇડ કરી હતી અને સુદર્શન ઘનવટી બૉટલો જપ્ત કરીને મુલુંડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમારાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે શીતલ આયુર્વેદિક દ્વારા લોકોને કોરોના વાઇરસની દવા આપવાના નામે છેતરવામાં આ‍વી રહ્યા છે. એ માટે દવા સંબંધી વધુ માહિતી ધરાવતા એફડીએના અધિકારીઓ સાથે કાર્યવાહી કરીને શીતલ આયુર્વેદિકના માલિક મિતેશ પંડ્યા પર દવાઓની ખોટી જાહેરાત કરીને વેચવા બદલ આઇપીસી કલમ ૪, ૮, ૭ના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શીતલ આયુર્વેદિકના માલિક મિતેશ પંડ્યાએ જણાવ્યું કે જ્યારે હું બહારગામ હતો ત્યારે મારી દુકાનના એક અધિકારીએ આવાં પૅમ્ફ્લેટ છાપ્યાં હતાં. મને આના વિશે કોઈ માહિતી નથી. અમારી દુકાનમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે દવા મળે છે.

mehul jethva mumbai mumbai news coronavirus