માર્યો, પછી ડુબાડ્યો

07 March, 2021 07:15 AM IST  |  Mumbai | Mehul Jethva/Bakulesh Trivedi

માર્યો, પછી ડુબાડ્યો

મનસુખ હિરણ

મુકેશ અંબાણીના ઘર નજીકથી મળી આવેલા વિસ્ફોટકના કેસમાં જે કારનો ઉપયોગ થયો હતો એ કાર જેની માલિકીની હતી એ મનસુખ હિરણનો મૃતદેહ થાણે પાલીસને શુક્રવારે સવારે મળ્યો હતો. એમાં ચોંકાવનારી વાતો જાણવા મળી છે. મરનાર મનસુખના ભાઈ વિનોદે આને આત્મહત્યા નહીં, હત્યાનો દાવો કર્યો છે. એમાં ગઈ કાલે મનસુખ હિરણનો પોસ્ટમૉર્ટમનો રિર્પોટ આવ્યો હતો. જોકે પોલીસે આના વિશે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી અને એટલું જ કહ્યું છે કે ડૉક્ટરોએ પોસ્ટમૉર્ટમ વિશે પોતાનાં તારણો હાલમાં તો અનામત રાખ્યાં છે.

આમ હિરણના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે અને એક અઠવાડિયું વીત્યા પછી પણ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ હજી મુકેશ અંબાણીના ઘર નજીક ઊભી કરાયેલી કારમાંથી મળેલા વિસ્ફોટક કોણે રાખ્યા હતા અને કયા કારણસર રાખ્યા હતા એની તપાસ કરી શકી નથી. જેની કારમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા તે હિરણ આ કેસમાં એકમાત્ર વિટનેસ હતા, પણ તેનું મૃત્યુ થઈ ગયું છે. શુક્રવારે સવારે કળવા ખાડીમાંથી તેની ડેડબૉડી મળી હતી. એ ડેડબૉડીનું પોસ્ટમૉર્ટમ ચાર ડૉક્ટરોની ટીમે કળવાની છત્રપતિ શિવાજી હૉસ્પિટલમાં કર્યું હતું. એના પ્રાઇમરી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે ૧૧ કલાક પહેલાં મનસુખ હિરણનું મૃત્યુ થયું હતું.

વિનોદ હિરણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અમને રિપોર્ટ મળ્યો હતો જેમાં કોઈ પ્રકારની સ્પષ્ટતા થઈ નહોતી. ત્યાર બાદ અમને બપોરે મળેલા રિપોર્ટમાં તેના મોતનું કારણ લંગ્સ શૉક હોવાનું જણાવાયું છે. હાલમાં મારા ભાઈના અંતિમ સંસ્કાર કરવા જરૂરી છે. ત્યાર બાદ અમારે આગળ શું પગલાં લેવાં એ વિચારીશું.’

આ સંબંધે થાણે પોલીસ ઝોન-વનના ડીસીપી અવિનાશ અંબુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલમાં આવેલા રિપોર્ટના આધારે અમે કોઈ પરિણામ પર આવ્યા નથી. અમે વધુ તપાસ હાથ ધરી રહ્યા છીએ.

છેલ્લો ફોન કોણે કરેલો?
મનસુખ હિરણના કૉલ ડીટેલ રેકૉર્ડ્સની થશે ઝીણવટભરી તપાસ

મુકેશ અંબાણીના ઘર પાસેથી મળી આવેલી સ્કૉર્પિયોના કેસમાં એ ગાડી જેના તાબામાં હતી તે મનસુખ હિરણનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં કેસ હવે બહુ જ પેચીદો બની ગયો છે અને કેસની તપાસ એટીએસને સોંપાઈ છે. મનસુખ હિરણનો મોબાઇલ ફોન મળી આવ્યો નથી ત્યારે પોલીસે હવે મનસુખ હિરણના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ (સીડીઆર)ની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, સીડીઆરની માહિતી જ તપાસની મહત્ત્વની દિશા નક્કી કરશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ થાણે પોલીસની ત્રણ ટીમ આના પર કામ કરી રહી છે. થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના સિનિયર પીઆઇ નીતિન ઠાકરે મનસુખ હિરણના ઘરે જઈને પૂછપરછ કરી હતી.

મનસુખ હિરણે ઘટનાની રાતે ઘરેથી નીકળતાં પહેલાં પરિવારને કહ્યું હતું કે ‘કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચમાંથી તાવડે કરીને ઑફિસરનો ફોન આવ્યો હતો. તેમણે મને ઘોડબંદર રોડ પર મળવા કહ્યું છે. હું તેને મળવા જાઉં છું.’

ત્યાર બાદ થાણે ખાડીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧માં તાવડે નામનો કોઈ ઑફિસર કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે એટીએસે મનસુખ હિરણને આવેલા એ ફોન સંદર્ભે તેના સીડીઆરની તપાસ શરૂ કરી છે.

સીડીઆરમાં કયા નંબર પરથી ફોન આવ્યો, ક્યારે આવ્યો એની તારીખ અને સમય, ક્યાંથી આવ્યો એનું લોકેશન, કેટલો સમય વાત થઈ એ બધી જ ડીટેલ નોંધાઈ જતી હોય છે. વળી સીડીઆર હેઠળ એસએમએસ પણ મેળવી શકાતા હોય છે. એથી તાવડે કોણ છે એની શોધ હવે એટીએસ સીડીઆરના આધારે ચલાવી રહી છે. સીડીઆરને કારણે મનસુખ કોની-કોની સાથે સંપર્કમાં હતો, તેણે છેલ્લે કોને ફોન કર્યો હતો, તેને કોનો ફોન આવ્યો હતો એ બધું જ જાણી શકાશે.

સચિન વઝેએ લીધી પરમબીર સિંહની મુલાકાત
એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ એપીઆઇ સચિન વઝેની આ કેસમાં ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પર આ બાબતે બહુ જ પ્રેશર છે અને તેમની બદલી કરવામાં આવી છે એવા મેસેજ પણ ફરતા થયા હતા. જોકે કોઈ પણ અધિકારી આ બાબતે સત્તાવાર માહિતી આપી નહોતો રહ્યો ત્યારે એપીઆઇ સચિન વઝેએ ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહને જઈને મળ્યા હતા. તેમની વચ્ચે ૩ કલાક સુધી મીટિંગ ચાલી હતી. ત્યાર બાદ આ બાબતે પત્રકારો દ્વારા પરમબીર સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ માત્ર થૅન્ક યુ કહીને નીકળી ગયા હતા. તેમણે એ મીટિંગમાં શું ચર્ચાયું એ વિશે કે તપાસના સ્ટેટસ બાબતે કોઈ પણ માહિતી આપવાનું મુનાસિબ નહોતું માન્યું.

mukesh ambani mumbai news mehul jethva