નૉલેજ ઑન વ્હીલ

08 October, 2020 07:32 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

નૉલેજ ઑન વ્હીલ

આ મિની બસના માધ્યમથી ગામડે-ગામડે ફરીને બાળકોને શિક્ષિત કરાય છે.

કોરોનાકાળમાં સ્કૂલો બંધ હોવાથી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન પણ આપી રહ્યા ન હોવાની ફરિયાદ પેરન્ટ્સ દ્વારા કરાઈ છે ત્યારે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને કેશવસૃષ્ટિ ગ્રામ વિકાસ દ્વારા ‘નૉલેજ ઑન વ્હીલ’ નામનો અનોખો ઉપક્રમ શરૂ કરાયો છે, જેમાં ગામડાંનાં બાળકોને અનેક વિષયો પર પ્રૅક્ટિકલ નૉલેજ અપાઈ રહ્યું છે. કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સૅનિટાઇઝર વગેરેનો ફરજિયાત ઉપયોગ કરાય છે. મિનિ બસમાં ૧૧૦૦થી વધુ વિવિધ ભાષાની બુક્સ છે. આ ઉપક્રમને ખરા અર્થે ગ્રામીણ વિસ્તારો સહિત શહેરના ભાગમાં પણ ચલાવવું જોઈએ.



આ ઉપક્રમ વિશે વાડામાં રહેતા કેશવસૃષ્ટિ ગ્રામ વિકાસના ટ્રસ્ટી સંતોષ ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંસ્થા દ્વારા વાડા, મોખાડા, વિક્રમગઢ, જવ્હારનાં ૭૫ ગામોને આવરી લઈને ગ્રામ વિકાસનું કામ કરી રહ્યા છીએ. શિક્ષણ અને સંસ્કાર એ અમારો મુખ્ય લક્ષ્ય હોવાની સાથે કૃષિ માટે વિવિધ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી ખેડૂતોને મદદ, પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું, સોલાર એનર્જીની વ્યવસ્થા જેવી સુવિધાઓ ગામડાં સુધી પહોંચાડી રહ્યા છીએ. કોરોનાને કારણે શિક્ષણ પર અસર થતી હોવાથી અમે નૉલેજ ઑન વ્હીલ ચાલુ કર્યું છે. મિનિ બસમાં ઇંગ્લિશ, હિન્દી, મરાઠી ભાષામાં બુક્સ, પ્રૅક્ટિકલ નૉલેજ માટે સાધનો રાખ્યાં છે.’

સંતોષ ગાયકવાડે વધુમાં કહ્યું હતું કે આ ઉપક્રમમાં ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડની આર્થિક સહાયથી બસ તૈયાર કરીને પ્રત્યેક ગામમાં એક ફુલટાઇમ ટીચર સાથે ફરે છે. એક જગ્યાએ દોઢ-બે કલાક બસ ઊભી રહે છે. કોરોનાના નિયમ વિશે પણ લોકોને સતર્ક કરાય છે, જેથી તેઓ પોતાના પરિવારને પણ સમજાવી શકે. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે તેમને પવનચક્કી કેમ ચાલે છે, બોરવેલમાંથી પાણી કઈ રીતે બહાર આવે છે એનું આખું ફંકશનિંગ, રૉકેટ આકાશમાં કેવી રીતે ઊડે છે જેવી માહિતી આપીએ છીએ. આ ઉપક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’

mumbai mumbai news palghar maharashtra preeti khuman-thakur