કોરોનાને લીધે બોરીવલીના દેરાસરમાં રાખેલો ચાતુર્માસનો જયોત્સવ રદ

25 February, 2021 09:05 AM IST  |  Mumbai | Rohit Parikh

કોરોનાને લીધે બોરીવલીના દેરાસરમાં રાખેલો ચાતુર્માસનો જયોત્સવ રદ

કડવો કાઢો પીવડાવી રહેલા સમસ્ત મહાજન અને સંભવનાથસ્વામી જૈન દેરાસર (પેઢી)ના કાર્યકરો.

કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અનેક પ્રસંગો પર નિયંત્રણો લાગી ગયાં છે. આમાંથી ધાર્મિક પ્રસંગો પણ બાકાત રહ્યા નથી. મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જાહેર કરેલી નિયમાવલિ તેમ જ અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને બોરીવલીની જાંબલી ગલીમાં આવેલા શ્રી સંભવનાથસ્વામી જૈન દેરાસર (પેઢી)ના ઉપાશ્રય હૉલમાં રવિવાર, ૨૮ ફેબ્રુઆરીએ સુવિશાલ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં યોજવામાં આવેલા પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના શ્રમણ ભગવંતોના મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, સાઉથ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે સંઘોમાં નક્કી થયેલા ચાતુર્માસનો જયોત્સવ રદ કરવામાં આવ્યો છે.

અમારી તો જયોત્સવની ઉજવણી કરવા માટે ભવ્ય તૈયારી હતી એમ જણાવીને શ્રી સંભવનાથસ્વામી જૈન દેરાસર (પેઢી)ના મૅનેજિંગ ટ્રસ્ટી સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા જૈનોના સાધુ-સંતો આવતા ચાતુર્માસમાં જે સ્થળે અને જે સંઘમાં બિરાજમાન થવાના હોય એ માટેની એ સંઘના પદાધિકારીઓ અને સંઘની હાજરીમાં જય બોલાવવામાં આવે એ ઉત્સવને જયોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રસંગે અમારા સંઘના આંગણે ભુવનભાનુસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્ય વરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ, દિવ્ય તપસ્વી આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી કુલબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્ય ધર્મયશસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્ય મલયકીર્તિસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી હંસબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ સહિત મુંબઈની આસપાસ વિચરી રહેલા ૯૦થી વધુ સાધુભગવંતો હાજર રહેવાના હતા. આ ઉત્સવમાં મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, સાઉથ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે સંઘોના પ્રતિનિધિઓ તેમના સંઘમાં ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે હાજર રહેવાના હતા.’

ગઈ કાલથી શરૂ થયેલો મહાવીર કા મહાપ્રસાદ (ભોજન) રથ.

જયોત્સવ એક જ દિવસ હતો, પણ અમારું આયોજન ચાર દિવસનું હતું એમ જણાવતાં શ્રી સંભવનાથસ્વામી જૈન દેરાસર (પેઢી)ના ટ્રસ્ટી પરેશ શાહે ‘મ‌િડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચારેય દિવસ અમારે ત્યાં રોજના ૨૦૦થી ૨૫૦ ભાવિકો હાજરી આપવાના હતા. પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને અન્ય સાધુભગવંતોની વ્યાખ્યાનમાળા પણ યોજી હતી. જોકે કોરોનાનું સંક્રમણ અને બોરીવલીમાં એની તિ‌વ્રતાને નજરમાં રાખીને સરકારના કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને અમે ભવ્ય જયોત્સવને અત્યારે રદ કરી દીધો છે. હવે બધા જ સંઘોને પત્રથી અથવા અન્ય કોઈ રીતે સંદેશો પાઠવીને સાધુભગવંતોના ચાતુર્માસની જય બોલાવવામાં આવશે.’

કડવા કાઢાની વ્યવસ્થા

કોરોનાથી આમ જનતાને બચાવવા માટે સમસ્ત મહાજનની સાથે મળીને સંભવનાથસ્વામી જૈન દેરાસર (પેઢી)એ ગઈ કાલથી બોરીવલી (વેસ્ટ)ના એસ. વી. રોડ પર લોકોને કાઢો પીવડાવવાની શરૂઆત કરી હતી. ગઈ કાલે એક જ દિવસમાં ૨૩૦૦થી વધુ લોકોએ કાઢો પીવાનો લાભ લીધો હતો. હમણાં રોજ અલગ-અલગ વિસ્તારોમાં કાઢો પીવડાવવામાં આવશે.

આ બાબતની માહિતી આપતાં પરેશ શાહે કહ્યું હતું કે ‘આજથી અમે બોરીવલી અને મુંબઈનાં ઉપનગરોમાં મહાવીર કા મહાપ્રસાદ (ભોજન) રથની વ્યવસ્થા કરી છે. મુંબઈ અને ઉપનગરોમાં અમારા જૈન સંઘો સમસ્ત મહાજનની સાથે રહીને નાતજાતના ભેદભાવ વગર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મહાપ્રસાદ આપશે. આજનું અમારું મેનુ પૂરી, છોલે, ગુલાબજાંબુ અને મસાલા રાઇસ છે, જેની શરૂઆત બોરીવલીમાંથી કરવામાં આવશે. આ આયોજનનો એક વર્ષનો ખર્ચ દોઢ કરોડ રૂપિયા છે જેનો રથ અમને આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી સમુદાયના આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી.) મહારાજસાહેબની પ્રેરણાથી આપવામાં આવ્યો છે.’

borivali mumbai mumbai news coronavirus covid19