મ્યુકરમાઇકોસિસની દવા નથી મળી રહી

11 May, 2021 07:53 AM IST  |  Mumbai | Somita Pal

કોવિડમાંથી સાજા થયેલાઓમાં બ્લૅક ફંગસ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, પણ હવે આના માટેનાં ઇન્જેક્શનોની અછત સર્જાવા માંડી છે

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં કોરોનાના કે કોવિડમાંથી સાજા થયેલા દરદીઓમાં નોંધાતા બ્લૅક ફંગસ ઇન્ફેક્શન મ્યુકરમાઇકોસિસના વધી રહેલા કેસને પગલે રેમડેસિવીર, સ્ટેરોઇડ્ઝ અને ઑક્સિજન બાદ હવે એન્ટિ-ફંગલ ઇન્જેક્શનોની અછત સર્જાવા માંડી છે. ફંગસ ઇન્ફેક્શનને કારણે ઘણા લોકોએ દૃષ્ટિ ગુમાવી દીધી છે અને ચહેરો કુરૂપ થઈ ગયો છે.

એમ્ફોટેરિસિન-બીની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. હાલની જરૂરિયાતની તુલનામાં તેનું વેચાણ પાંચ ટકા પણ નહોતું. દવાના ઉત્પાદન માટે થોડો સમય લાગશે. અમને જણાવાયું છે કે સાત ફાર્મા કંપનીઓ હાલની માગને પહોંચી વળવા સતત કાર્યરત છે. અમારી પાસે સ્ટૉક પ્રાપ્ય નથી અને બજારમાં જે સ્ટૉક છે તે સરકારી ચૅનલ થકી વિતરિત થઈ રહ્યો છે. સરકાર સ્થિતિનું વિશ્લેષણ કરીને ફૂડ ડ્રગ્ઝ અૅડ્મિનિસ્ટ્રેશન સાથે મળીને હૉસ્પિટલોને વિતરણ કરી રહી છે, તેમ રીટેલ અૅન્ડ ડિસ્પેન્સિંગ કેમિસ્ટ અસોસિએશનના પ્રમુખ પ્રસાદ દાનવેએ જણાવ્યું હતું.

મુંબઈની લીલાવતી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે મ્યુકરમાઇકોસિસનું સમયસર નિદાન થવું જરૂરી છે. ટાસ્ક ફોર્સ કોરોનાના દરદીઓમાં આ એન્ટિ-ફંગલ કેસમાં થઈ રહેલા વધારા પ્રત્યે સજાગ છે. નિવારણ અને વહેલી તકે નિદાન એ તેની ચાવી છે. કોરોનાના દરદીની સારવાર કરતી વખતે સ્ટેરોઇડનો યોગ્ય ડોઝ યોગ્ય સમયે અપાય તે આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ કોરોનાના દરદીઓમાં વધુને વધુ જોવા મળી રહેલા ઘાતક ફંગસ ઇન્ફેક્શન મ્યુકરમાઇકોસિસ માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. રાજ્ય સરકાર પણ મ્યુકરમાઇકોસિસના વ્યવસ્થાપન માટે તથા દરદીઓના આંકડા ઘટાડવા માટે ઇન્ટર્નલ મેડિકલ એક્સપર્ટ, ઇએનટી સર્જન અને એન્ડોક્રાઇનોલૉજિસ્ટની બનેલી મલ્ટિડિસિપ્લિનરી ટીમની રચના કરી રહી છે.

mumbai mumbai news coronavirus covid vaccine covid19 somita pal vaccination drive