01 May, 2024 07:50 AM IST | Mumbai | Rohit Parikh
આશિષ મહેતા, અલકેશ વ્યાસ
ઘાટકોપરના આશિષ મહેતા કહે છે...
વેપારમાં સરળતા અને સુવિધા માટે સરકાર એના કાયદા અને નિયમોની જડતા દૂર કરે
લાકડાબજારના અગ્રણી વેપારી અને સૌથી જૂના વેપારી સંગઠન ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના સિનિયર વાઇસ-પ્રેસિડન્ટ આશિષ મહેતા તેમના એક મતના બદલામાં ઇચ્છે છે કે લાખો વેપારીઓને વેપારમાં સરળતા અને સુવિધા માટે સરકાર એના કાયદા અને નિયમોની જડતા દૂર કરે. ઘાટકોપરમાં રહેતા આશિષભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘મુંબઈ પોર્ટ ટ્રસ્ટના હજારો ભાડૂતોની સમસ્યાઓના સમાધાન તથા પુનઃ વિકાસ માટે સરકાર તેમને વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરી આપે. વર્ષોથી ગૂંચવાયેલા-મૂંઝાયેલા વેપારીઓ સહિતના પાઘડી-ભાડૂતો બેઘર બનતા બચે અને તેમને તેમની માલિકીનાં ઘર કે ઑફિસ માટે હક મળે એવો કાયદો બનાવવાની જરૂર છે. વેપારી વર્ગના ચેક રિટર્ન થવાના કેસ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ શરૂ કરવામાં આવે. આજે હજારો લોકો નૌકાદળનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન મળતું હોવાને કારણે ઘરવિહોણા થઈ ગયા છે. તેઓ પોતાનું ઘર બનાવવામાં ગંભીર તકલીફનો સામનો કરી રહ્યા છે. તેમની આ સમસ્યાનું નિરાકરણ થાય અને મુંબઈ મહાનગરપાલિકા એના પુનઃ વિકાસ માટે પરવાનગી આપે એવી જોગવાઈ કરવામાં આવે. આજે પણ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના કાયદામાં અનેક સુધારા જરૂરી છે જેનાથી વેપારીઓ સરળતાથી તેમના વેપારમાં વૃદ્ધિ કરી શકે. - રોહિત પરીખ
કાંદિવલીના અલકેશ વ્યાસ કહે છે...
જ્ઞાતિ અને સમાજલક્ષી કાર્યો માટે સરકાર યોજનાઓ બનાવે
કાંદિવલીના ૬૮ વર્ષના નિવૃત્ત શિક્ષક અને સામાજિક કાર્યકર અલકેશ વ્યાસ બધી જ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરતા આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના એક મતના બદલામાં જ્ઞાતિ અને સમાજલક્ષી કાર્યો માટે સરકાર યોજનાઓ બનાવે એવું તેઓ ઇચ્છે છે. આ સંદર્ભમાં અલકેશ વ્યાસ ‘મિડ-ડે’ને કહે છે, ‘આજના સમયમાં યુવા પેઢીને મતદાન કરવા માટે પ્રેરિત કરવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય કાંદિવલીમાં વિશાળ નાટ્યગૃહ બને, રાહતના દરે ફી લઈને ઉચ્ચ શિક્ષણ આપી શકે એવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવામાં આવે તેમ જ જ્ઞાતિ-સમાજના વિકાસ માટે અને સામાજિક કાર્યો કરવા વિશાળ વાડી કે હૉલ બને અથવા બનાવવા માટે સરકાર તરફથી રિઝર્વ પ્લૉટ ફાળવવા પહેલ કરવામાં આવે એ જરૂરી છે.’ - રોહિત પરીખ